
ઓડિશા સહિત ત્રણ રાજ્યોમાં IMD નું એલર્ટ પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે : તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે દેશના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદ અને સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને સોમવાર સુધીમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું નીચા દબાણનું ક્ષેત્ર ધીમે ધીમે વધુ મજબૂત બની રહ્યું છે. શરૂઆતમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ તેની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે. બુધવાર સુધીમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સિસ્ટમની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં જાેવા મળી શકે છે. જાેકે, વાવાઝોડું કયા વિસ્તારમાં લેન્ડફોલ કરશે અને તેનો ચોક્કસ માર્ગ કયો હશે તે અંગે હવામાન વિભાગે હજુ સ્પષ્ટતા કરી નથી. ઓડિશા સરકાર માટે આ સ્થિતિ ચિંતાજનક છે. રાજ્ય ત્રણ અઠવાડિયાના સમયગાળામાં ત્રીજા સંભવિત ચક્રવાતનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે અગાઉનાં બે ચક્રવાતી વાવાઝોડાં અર્નબ અને મુરાસુની અસર ઓડિશામાં જાેવા મળી હતી, જાેકે બંનેએ પડોશી આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તેમ છતાં સરકાર કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને દક્ષિણ, ઉત્તર તથા દરિયાકાંઠાના જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના વિશેષ રાહત કમિશનર રાજેશ પી. પાટીલે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં વહીવટી તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. મંત્રી સુરેશ પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે ટકરાય નહીં તો પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેથી રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભુવનેશ્વર હવામાન કેન્દ્રની આગાહી મુજબ, બુધવારે કેટલાક વિસ્તારોમાં ૭થી ૧૧ સેન્ટિમીટર સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુરુવાર અને શુક્રવારે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ૧૨થી ૨૦ સેન્ટિમીટર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.સંભવિત ચક્રવાત અને દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપી છે.




