
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
નવા વર્ષની શરૂઆત સાથે જ સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં ઘી અને બટરના ભાવ વધાર્યા બાદ હવે દૈનિક જરૂરિયાત સમાન દૂધના ભાવ વધારી દેવામાં આવ્યા છે. અમુલ દ્વારા અમુલ ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂ. ચાર નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રાહકોમાં સૌથી વધુ વપરાશ ધરાવતા અમુલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. બે નો વધારો લાગુ કરાયો છે.
છેલ્લા બે મહિનામાં ઘણી રોજિંદી વસ્તુઓ મોંઘી થઈ છે. દૂધ અને દહીં વેચતી ડેરી કંપનીઓથી લઈને સાબુ, ડિટર્જન્ટ અને તેલ કંપનીઓ સુધી બધાના ભાવ વધ્યા છે. અમુલ અને મધર ડેરીએ ૧૨ નવેમ્બર થી દૂધના ભાવમાં રૂ. ચાર પ્રતિ લિટરે વધારો કર્યો છે.
અગાઉ કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા ૧ નવેમ્બર થી તેના નંદિની બ્રાન્ડના દૂધના અને દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દૂધના ભાવમાં શ્રેણીના આધારે રૂ. ૮ થી રૂ. ૧૨ પ્રતિ લિટરના વધારો થયો છે.
આમ રોજીંદા ઘરખર્ચમાં દૂધ મહત્વનો હિસ્સો ધરાવતું હોવાથી આ ભાવવધારાની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના બજેટ પર પડશે. દૂધના ભાવ વધવાને કારણે ચા, કોફી અને દૂધ આધારિત અન્ય મીઠાઈઓ તથા બનાવટો પણ આગામી દિવસોમાં મોંઘી થવાની શક્યતા છે.
તહેવારો અને નવા વર્ષની શરૂઆતમાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ જતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘી, માખણ, કપડાં ધોવાનો પાવડર, નહાવાનો સાબુ, સિગારેટ, સૂકા ફળો, હોટલ અને લારી રેસ્ટોરન્ટ માં વપરાતા ગેસ સિલિન્ડર અને ઉડ્ડયન બળતણ પણ વધુ મોંઘા થયા છે. ત્યારે એક બાજુ મોંઘવારી, બેકારી અને મંદી ના માર વચ્ચે આ થયેલા વધારાએ પ્રજાની કમર તોડી નાંખી છે.




