
જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો મોટો વિવાદ ૭૦૦ની વસતી ધરાવતા ગામમાં ત્રણ મહિનામાં ૪૩૧ લગ્ન નોંધાયા આરટીઆઈમાં ખુલાસો થતાં વહીવટી તંત્ર દોડતું થયું, તલાટી પાસેથી ચાર્જ પરત લઈ તપાસના આદેશ અપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માત્ર ૭૦૦ની વસ્તી અને ૧૭૦ જેટલા ઘરો ધરાવતા નાનકડા નાગપુર ગામમાં માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં કુલ ૪૩૧ લગ્નની નોંધણી થઈ હોવાનો આરટીઆઈ (RTI) હેઠળ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણ બહાર આવતા સમગ્ર વહીવટી તંત્ર દોડતું થયું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાલ પૂરતા ગામના તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે.આ સમગ્ર પ્રકરણની શરૂઆત રાજકોટ જિલ્લાના પડધરી પંથકના ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હતી. પુત્રીની ઉંમર ૧૮ વર્ષ અને બે મહિના થતાં ચોથા જ દિવસે તેના લગ્ન થઈ ગયા હોવાની અને તેણે ઘર છોડી દીધું હોવાની જાણ થતાં પિતાએ તપાસ શરૂ કરી હતી. લગ્નની નોંધણી ક્યાં થઈ છે તે જાણવા આરટીઆઈ કરવામાં આવતા કાલાવડના નાગપુર ગામનું નામ સામે આવ્યું હતું.ત્યારબાદ લગ્ન નોંધણી અંગે વધુ વિગતો મેળવવામાં આવતાં રાજકોટ, જામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક પરિવારોનાં લગ્ન નાગપુર ગામે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આરટીઆઈના જવાબમાં સામે આવ્યું છે કે નાગપુર ગામના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડા દ્વારા આ લગ્નોની નોંધણી કરવામાં આવી હતી. નાગપુરમાં તા. ૩૦-૧૧-૨૦૨૫થી તા. ૨૫-૦૨-૨૦૨૬ સુધીના ૩ માસના સમયગાળામાં કુલ ૪૩૧ લગ્ન નોંધાયા હોવાનું બહાર આવતાં આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં એવી લોકવાયકા પ્રચલિત છે કે મહારાષ્ટ્રના નાગપુરથી લગ્ન માટે કન્યાઓ મળે છે અને ત્યાં લગ્ન થાય છે. આથી, જ્યારે કોઈ પરિવારને ‘નાગપુર’માં લગ્ન થયાની જાણ થાય, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રના નાગપુર તરફ તપાસ કરવા દોડતા હતા.પરંતુ આરટીઆઈમાં સ્પષ્ટ થયું કે આ નોંધણી મહારાષ્ટ્ર નહીં, પરંતુ કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં થઈ છે. બંને સ્થળોના એકસરખા નામથી ઊભી થતી ગેરસમજનો કોઈ સંગઠિત ટોળકી કે તકવાદી તત્ત્વોએ વ્યવસ્થિત લાભ લીધો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.




