
અમદાવાદની હોસ્ટેલમાં યુવતીઓ ડ્રગ્સના રવાડે ચઢી અમદાવાદની હોસ્ટેલમાં રહેતી નવમાંથી છ યુવતીઓ ડ્રગ્સની લતે ચઢી ડી-એડિક્શન સેન્ટરમાં સારવાર બાદ પણ નશો છૂટ્યો નહીં, હોસ્ટેલ આસપાસ ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની આશંકા વ્યક્ત થઈ
અમદાવાદ શહેરમાં અભ્યાસ માટે આવેલી યુવતીઓની એક હોસ્ટેલમાં રહેતી ૯ યુવતીઓ વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી, પરંતુ કમનસીબે આ મિત્રતા નશાના રવાડે ચઢતાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ જૂથની ૬ યુવતીઓ ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી, જેને કારણે તેમને જાણે આજીવન અને અતૂટ નશાનો અહેસાસ થતો હતો. વેકેશનમાં જ્યારે એક યુવતી પોતાના વતનમાં ઘરે ગઈ, ત્યારે તેના બદલાયેલા વર્તન અને હાવભાવ પરથી પિતાને શંકા ગઈ હતી. પિતાએ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આખી પોલ ખુલી ગઈ હતી અને ખબર પડી કે દીકરી સહિત તેની સખીઓ પણ ડ્રગ્સના ગંભીર દલદલમાં ફસાયેલી છે. જ્યારે આ યુવતીઓને સારવાર માટે ડી-એડિકશન સેન્ટરમાં દાખલ કરવામાં આવી, ત્યારે સારવાર દરમિયાન ડ્રગ્સના વેચાણ અને ફેલાવાને લગતા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. ડી-એડિકશન સેન્ટરના ડૉક્ટરો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, સારવાર લઈ રહેલી એક યુવતીએ રી-એડિક્ટ થયા બાદ કબૂલ્યું હતું કે હોસ્ટેલ અને આસપાસના વિસ્તારોમાં એમ.ડી. ડ્રગ્સ કે ગાંજાનો નશો ફેલાવવા માટે એક આયોજનબદ્ધ રેકેટ કામ કરી રહ્યું છે. પાનના ગલ્લા કે સિગારેટ વેચતા અમુક સ્થળો પણ આ નશાના કારોબારમાં સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાંથી યુવાધન સરળતાથી આ ખતરનાક લતનો શિકાર બની રહ્યું છે. રાજ્યમાં યુવા પેઢીમાં ડ્રગ્સ અને સ્મોકિંગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેને લઈને નિષ્ણાતો હવે ગુજરાતને ‘મિની-પંજાબ’ તરીકે સંબોધી રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ, ડ્રગ્સની લત છોડાવવા માટે સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષાેમાં મોટો ઉછાળો આવ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં ડી-એડિકશન ક્લિનિક્સ અને સરકારી જિલ્લા હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવી પડી છે. વ્યસન મુક્તિ માટે આવનારા દર્દીઓમાં ૬૫% સુધીનો વધારો નોંધાયો છે, જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ સામેલ છે. સંતાનોને નશાની ગતિવિધિઓથી બચાવવા માટે હવે પરિવારોએ અત્યંત સતર્ક રહેવાની જરૂર ઊભી થઈ છે. નશાની લતમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે સામાન્ય રીતે ૧૫ દિવસથી લઈને ત્રણ મહિના સુધીની મનોવૈજ્ઞાનિક અને તબીબી સારવાર અનિવાર્ય બને છે. કેટલાક કિસ્સાઓમાં તો પરિવારોએ પોતાના સંતાનોને બચાવવા માટે શહેરો કે રાજ્યો સુધી બદલી નાખ્યા છે. ડ્રગ્સ અને નશીલા પદાર્થાેના આ દૂષણને ડામવા માટે માત્ર પોલીસ પ્રશાસન જ નહીં, પરંતુ વાલીઓ અને સામાજિક સ્તરે સામૂહિક જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.




