
રાજ્યભરમાં ‘ઓપરેશન હેલ્થ’ શરૂ આઈસ્ક્રીમના નામે મોંઘા ભાવે વેચાય છે ફ્રોઝન ડેઝર્ટ ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા પહેલ; દુકાનદારોને સ્પષ્ટ ઓળખ સાથે વેચાણ કરવાની સૂચના
આઈસ્ક્રીમના નામે ગ્રાહકોને મોંઘા ભાવે ફ્રોઝન ડેઝર્ટ વેચવામાં આવતું હોવાની ફરિયાદો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રાહકોમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે જાગૃતિ લાવવાનો છે. સાથે જ વેપારીઓ દ્વારા બંને ઉત્પાદનોના વેચાણ સમયે યોગ્ય ઓળખ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
હાલ બજારમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવમાં લગભગ સરખાં લાગતાં હોવાથી સામાન્ય ગ્રાહકો માટે બંને વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બને છે. કેટલાક વેપારીઓ ફ્રોઝન ડેઝર્ટ સસ્તા ભાવે ખરીદીને તેનું વેચાણ આઈસ્ક્રીમ તરીકે ઊંચા ભાવે કરતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આવી ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા જનજાગૃતિની સાથે નિયમનાત્મક કાર્યવાહી પર ભાર મૂકવામાં આવશે.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો મુખ્ય તફાવત તેમાં વપરાતી ચરબીના પ્રકારનો છે. આઈસ્ક્રીમ મુખ્યત્વે દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટમાંથી તૈયાર કરવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિજન્ય ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. બંને ઉત્પાદનો દેખાવ, સ્વાદ અને ઠંડકની દૃષ્ટિએ એકસરખાં લાગતાં હોવા છતાં તેમની બનાવટ અને ઘટકો અલગ હોય છે. તેથી ગ્રાહકો માત્ર પેકેટના દેખાવ કે કિંમતના આધારે ખરીદી કરવાને બદલે તેના પર આપવામાં આવેલી માહિતી તપાસે તે જરૂરી છે.
‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગ્રાહકોને આઈસ્ક્રીમ ખરીદતાં પહેલાં પેકેટનું લેબલ ધ્યાનથી વાંચવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્પાદનનું નામ, તેમાં વપરાયેલા ઘટકો અને પોષકતત્ત્વોની વિગતો તપાસવી જરૂરી છે. ગ્રાહકોને ફક્ત બ્રાન્ડ, પેકિંગ અને જાહેરાતના આધારે ર્નિણય ન લેવા પણ સમજાવવામાં આવશે. ઉત્પાદન ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તે જાણી લીધા બાદ જ ખરીદી કરવી જાેઈએ.
તંત્ર દ્વારા છૂટક વેપારીઓને પણ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રાખવાની સૂચના આપવામાં આવશે. ગ્રાહકને જે ઉત્પાદન વેચવામાં આવે તેની યોગ્ય ઓળખ અને માહિતી આપવી વેપારીની જવાબદારી રહેશે. ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ તરીકે રજૂ કરીને ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલતા વેપારીઓ સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
રાજ્યવ્યાપી અભિયાનને વધુ અસરકારક બનાવવા શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા યુઝર્સ અને જાગૃત નાગરિકોને પણ જાેડાવા અપીલ કરવામાં આવી છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે વધુમાં વધુ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમ પનીર અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સામાન્ય ગ્રાહકો માટે ઓળખવો મુશ્કેલ બને છે, તેવી જ સ્થિતિ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટમાં પણ જાેવા મળે છે. ત્યારે ‘ઓપરેશન હેલ્થ’ દ્વારા ગ્રાહકોને જાગૃત કરીને ખાદ્યપદાર્થોની ખરીદીમાં પારદર્શિતા લાવવાનો સરકારનો પ્રયાસ કેટલો સફળ થાય છે તે જાેવું રહ્યું.




