
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારતની અર્થવ્યવસ્થા ૩૦ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮ ટકાનો આર્થિક વિકાસ, નિકાસ ૫૭૦ અબજ ડોલરે પહોંચી; ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર ક્ષેત્રના પડકારો વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત ગતિએ આગળ વધી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી બે દાયકામાં ભારતની અર્થવ્યવસ્થા ૩૦ ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી શકે છે. સરકારનું લક્ષ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે.
નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ડેટ એન્ડ કેપિટલ માર્કેટ સમિટ ૨૦૨૬ને સંબોધતાં ગોયલે જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ આર્થિક સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. વેપાર, ઉત્પાદન, રોકાણ, નિકાસ અને માળખાગત સુવિધાઓના વિકાસને કારણે ભારત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે.
પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે ૭.૮ ટકાનો આર્થિક વિકાસ નોંધાવ્યો છે. ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન એટલે કે સ્થિર મૂડીરોકાણમાં પણ આશરે ૧૨ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ધિરાણ વૃદ્ધિ લગભગ ૧૯ ટકા સુધી પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભારતની નિકાસ ક્ષમતામાં થઈ રહેલા વધારા અંગે ગોયલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં જ દેશની નિકાસ ૫૭૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. સરકારનું લક્ષ્ય ચાલુ વર્ષમાં કુલ નિકાસને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું છે. ઓક્ટોબર મહિનામાં નિકાસે આશરે ૯૦ અબજ ડોલરનો આંકડો સ્પર્શ્યાે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉત્પાદન ક્ષેત્રનો વિસ્તાર અને નવા આંતરરાષ્ટ્રીય વેપાર કરારોને કારણે ભારતીય ઉત્પાદનો માટે વૈશ્વિક બજારમાં નવી તકો ઊભી થઈ રહી છે.
ભારતના વૈશ્વિક વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મુક્ત વેપાર કરારો (FTA)ને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર કરારને આખરી ઓપ આપવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર પણ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કરારો અમલમાં આવે તો ભારતીય ઉદ્યોગો, નિકાસકારો અને ઉત્પાદન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ તકો મળી શકે છે.
ગોયલે જણાવ્યું હતું કે સરકાર આગામી ૨૦થી ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને આર્થિક આયોજન કરી રહી છે. વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય આ આયોજનનું કેન્દ્ર છે. ભારતની હાલની આશરે ૪ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને લાંબા ગાળે ૩૦ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની મહત્વાકાંક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે આગામી ત્રણ દાયકામાં દેશમાં રહેણાંક અને વ્યાપારી ઇમારતોનું મોટા પાયે નિર્માણ થવાની અપેક્ષા છે. આ સાથે રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ અને ડિજિટલ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં પણ રોકાણની વિશાળ તકો ઊભી થશે.




