
રશિયન કંપનીઓની ભારતીય બજારમાં નજર અવકાશ ક્ષેત્રે ભારત-રશિયાની નવી ભાગીદારીના સંકેત સેટેલાઇટથી આગળ હવે રોકેટ ટેક્નોલોજી, લોન્ચ સુવિધા અને સંશોધનમાં સહયોગની ભારત અને રશિયાની તૈયારી
ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જૂની વ્યૂહાત્મક ભાગીદારી હવે અવકાશ ક્ષેત્રમાં પણ નવા આયામ સર કરવા જઈ રહી છે. સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્ર બાદ બંને દેશો વચ્ચે નાગરિક અવકાશ ક્ષેત્રમાં ટેક્નોલોજી અને વ્યવસાયિક સહયોગની નવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ખાસ કરીને રોકેટ ટેક્નોલોજી, સેટેલાઇટ સંશોધન, ટેક્નોલોજી ટ્રાન્સફર અને લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે ચર્ચાઓ શરૂ થઈ છે.
તાજેતરમાં યોજાયેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ક્લેવમાં ભારતીય અને રશિયન અવકાશ કંપનીઓના પ્રતિનિધિઓએ રાઉન્ડ ટેબલ બેઠક યોજીને સંભવિત ભાગીદારી અને સંયુક્ત ટેક્નોલોજી વિકાસ અંગે ચર્ચા કરી હતી. રશિયન કંપનીઓ ભારતના ઝડપથી વિકસતા ખાનગી અવકાશ ક્ષેત્રમાં વ્યાપારી તકો શોધી રહી છે. રશિયાની સેટેલાઇટ ટેક્નોલોજી કંપની જીઓસ્કેન ભારત સાથે સહયોગ વિસ્તારવામાં રસ ધરાવે છે. કંપનીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એલેક્સી ટ્રૂસ્કોવે જણાવ્યું હતું કે કંપની ભારતીય સંસ્થાઓ સાથે શિક્ષણ, સંશોધન અને વિકાસ, ટેક્નોલોજી ટ્રાન્સફર તેમજ અવકાશ પ્રક્ષેપણ સેવાઓમાં સહયોગ કરવા માગે છે. આ ભાગીદારી માત્ર સેટેલાઇટ ટેક્નોલોજી પૂરતી મર્યાદિત ન રહેતાં નવી અવકાશ એપ્લિકેશનો અને સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ સુધી વિસ્તરી શકે છે.
રશિયાની બીજી કંપની ઓર્બિટલ સિસ્ટમ્સ પણ ભારતીય કંપનીઓ સાથે સહયોગની શક્યતાઓ શોધી રહી છે. કંપનીનો રસ ખાસ કરીને રોકેટ ટેક્નોલોજી, રોકેટ પરીક્ષણ માટેની માળખાકીય સુવિધાઓ અને સંયુક્ત લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. આ ક્ષેત્રોમાં ભાગીદારી થાય તો બંને દેશોની કંપનીઓ પોતાની ટેક્નિકલ કુશળતા અને ઉપલબ્ધ સંસાધનોનો સંયુક્ત ઉપયોગ કરી શકશે. તેનાથી અવકાશ પ્રક્ષેપણ ક્ષેત્રમાં નવી વ્યાપારી તકો ઊભી થવાની સંભાવના છે.
છેલ્લાં વર્ષોમાં ભારતમાં ખાનગી અવકાશ ઉદ્યોગનો વ્યાપ વધ્યો છે. સેટેલાઇટ નિર્માણ, રોકેટ વિકાસ અને અવકાશ આધારિત સેવાઓમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધી રહી છે. આવી સ્થિતિમાં રશિયાની લાંબા સમયથી વિકસેલી અવકાશ ટેક્નોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતા વચ્ચે સહયોગની નવી તકો ઊભી થઈ શકે છે. ભારત અને રશિયા વચ્ચે અવકાશ ક્ષેત્રમાં સહયોગનો ઇતિહાસ અનેક દાયકાઓ જૂનો છે. હવે ખાનગી કંપનીઓની વધતી ભાગીદારી આ સંબંધોને નવી દિશા આપી શકે છે. જાેકે, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ક્લેવમાં થયેલી ચર્ચાઓ હાલ સંભવિત સહયોગ અને વ્યવસાયિક તકો ઓળખવા પૂરતી જ છે. કોઈ મોટા સંયુક્ત પ્રોજેક્ટ કે અંતિમ કરારની સત્તાવાર જાહેરાત થઈ નથી.




