Mutual Fund : ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો થયો છે. આ ઘટાડો 9 ટકા ઘટીને રૂ. 37113 કરોડ થયો છે. રોકાણમાં ઘટાડો લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ કેટેગરીમાં રોકાણમાં ઘટાડો થવાને કારણે થયો હતો. SIPમાં માસિક યોગદાન જુલાઈમાં વધીને રૂ. 23332 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ જુલાઈમાં મહિને નવ ટકા ઘટીને રૂ. 37,113 કરોડ થયું હતું. લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ કેટેગરીમાં રોકાણમાં ઘટાડો થવાને કારણે આ ઘટાડો નોંધાયો હતો. ઘટાડા છતાં, જુલાઈમાં મળેલા ચોખ્ખા રોકાણની રકમ એક મહિનામાં પ્રાપ્ત થયેલ બીજા નંબરનું સૌથી મોટું રોકાણ છે.
જૂનમાં મળેલા રૂ. 40,608 કરોડના રોકાણ બાદ આ બીજા ક્રમે છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ) દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા અનુસાર તાજેતરનો પ્રવાહ એ ઇક્વિટી ફંડ્સમાં ચોખ્ખો નાણાપ્રવાહનો સતત 41મો મહિનો છે.
SIPમાં માસિક યોગદાનમાં વધારો
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) માં માસિક યોગદાન અગાઉના મહિનામાં રૂ. 21,262 કરોડની સરખામણીએ જુલાઈમાં વધીને રૂ. 23,332 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. AMFIના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચાલાસનીએ જણાવ્યું હતું કે આ રિટેલ રોકાણકારોમાં વધતી જતી નાણાકીય શિસ્ત દર્શાવે છે, જે તેમને સમયાંતરે વ્યવસ્થિત રીતે સંપત્તિ એકત્ર કરવામાં મદદ કરે છે.
એકંદરે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણ સમીક્ષા હેઠળના મહિનામાં રૂ. 1.9 લાખ કરોડ હતું, જે જૂનમાં રૂ. 43,637 કરોડ હતું. આ રોકાણ ઇક્વિટી તેમજ ડેટ સ્કીમ્સમાં રોકાણને કારણે હતું.
ઉદ્યોગ નવા સ્તરે આવશે
આ રોકાણો સાથે, ઉદ્યોગની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ જૂનના અંતે રૂ. 61.15 લાખ કરોડથી વધીને જુલાઈના અંતે રૂ. 65 લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે. ITI મ્યુચ્યુઅલ ફંડના CEO હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ઉદ્યોગ આગામી ત્રણથી ચાર વર્ષમાં $1 ટ્રિલિયન AUM અને 100 મિલિયન રોકાણકારોનો આધાર પાર કરશે.