
ઈંગ્લેન્ડ જીત સાથે ક્વોલિફાઇ થઈ મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો સળંગ ત્રીજાે પરાજય યઈંગ્લેન્ડ વિમેન્સની સાતત્યપૂર્ણ બોલિંગ સામે ભારતનો બેટિંગમાં છેલ્લી ઘડીએ ધબડકો થતાં ૪ રને હાર્યુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વિમેન્સ વર્લ્ડ કપમાં અહીં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે ૪ રને નાટ્યાત્મક પરાજય થયો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌર (૭૦) અને સ્મૃતિ મંધાના (૮૮)ની લડત છતાં પાછળથી વિકેટો પડતાં અને ઈંગ્લેન્ડની બોલર્સના સાતત્યપૂર્ણ દેખાવને પગલે ભારતનો રનચેઝમાં પનો ટૂંકો પડ્યો હતો. આ સાથે જ ભારતનો મહિલા વન-ડે વર્લ્ડ કપમાં આ સળંગ ત્રીજાે પરાજય રહ્યો હતો અને હવે તેની સેમિફાઈનલ પ્રવેશની આશા પણ ધૂંધળી બની ગઈ છે. ઈંગ્લેન્ડના ૨૮૯ રનના ટારગેટનો પીછો કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૨૮૪ રન કર્યા હતા. ભારતે ૫૦ રની અંદર પ્રારંભિક બે વિકેટ ગુમાવ્યા બાદ મંધાના અને કૌર વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૨૫ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ભારત માટે સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે આ મહત્વનો મુકાબલો હતો. ભારતને જીતવા માટે ૫૩ બોલમાં ૫૫ રનની જરૂર હતી અને અંતિમ ઓવરમાં જીતવા માટે ૧૪ રનની હતી જેની સામે ઈંગ્લેન્ડે ફક્ત નવ રન જ આપ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ ઓલરાઉન્ડ દેખાવ કર્ય હતો. સૌપ્રથમ ચાર વિકેટ ઝડપ્યા બાદ તેણે લડાયક ફિફ્ટી પણ ફટકારી હતી. અણીના સમયે ભારતે વિકેટો ગુમાવતા તેનો પરાજય થયો હતો. હવે ભારતને સેમિફાઈનલમાં પ્રવેશવા ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બંને સામે ફરજિયાત જીતવું પડશે. ઈંગ્લેન્ડ આ જીત સાથે દક્ષિણ આળિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ક્વોલિફાઇ થનારી ત્રીજી ટીમ બની હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ટેમી બ્યૂમોન્ટ (૨૨) અને એમી જાેન્સે (૫૬) મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ અનુભવી હીથર નાઈટે ૯૧ બોલમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગાની મદદતી ૧૦૯ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડની સુકાની નતાલી સિવર બ્રન્ટ ૩૯ રન ઉમેરતા નાઈટ સાથે ચોથી વિકેટ માટે ૧૧૩ રનની પાર્ટનરશિપ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમને આઠ વિકેટે ૨૮૮ સુધી રોકવામાં ભારતીય બોલર દીપ્તિની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. દીપ્તિએ ચાર વિકેટ ખેરવી હતી જ્યારે શ્રીચરણીએ બે વિકેટ લીધી હતી.
