
ACB મોટી કાર્યવાહી.નિવૃત્ત ક્લાસ-૨ ઈજનેર પાસેથી મળી આવી રૂ.૩.૦૮ કરોડની બેનામી સંપત્તિઆ લાંચ પ્રકરણની તપાસ દરમિયાન જ તેમની બેનામી સંપત્તિના તાર મળ્યા હતા.ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (SSA) ના નિવૃત્ત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર (વર્ગ-૨) નિપુણ ચંદ્રવદન ચોકસી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ વસાવવા બદલ ગુનો નોંધી આજે તેમની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે.
આરોપી નિપુણ ચોકસીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. તેઓ તારીખ ૧૬ જુલાઇ ૨૦૨૧ ના રોજ રૂ.૧,૨૧,૦૦૦ ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જે તે સમયે તેમની સામે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ લાંચ પ્રકરણની તપાસ દરમિયાન જ તેમની બેનામી સંપત્તિના તાર મળ્યા હતા.
લાંચના ગુનાની તપાસ અને રિમાન્ડ દરમિયાન એસીબીને આરોપીના ધી ગાંધીનગર નાગરિક કો.ઓપ. બેંક (સેક્ટર-૧૦ તથા સેક્ટર-૬ બ્રાંચ) ખાતેના ત્રણ લોકરની માહિતી મળી હતી. આ લોકરોની અને તેમના રહેણાંક મકાનની જડતી કરતા બેંક લોકરમાંથી રૂ.૨,૨૭,૨૫,૦૦૦, રહેણાંક મકાનમાંથી રૂ. ૪,૧૨,૨૦૫ એમ કુલ મળી રૂ. ૨,૩૧,૭૫,૨૦૫ ની માતબર રકમ મળી આવી હતી.
એસીબી દ્વારા આરોપીના ચેક પીરીયડ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાનની આવક અને મિલકતની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં ફલિત થયું હતું કે આરોપી નિપુણ ચોકસીએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ. ૩,૦૮,૯૦,૨૭૯ જેટલી જંગી અપ્રમાણસર મિલકતો વસાવી છે. જે તેમની કાયદેસરની આવક કરતાં ૬૨.૪૩% જેટલી વધુ છે.
આ સમગ્ર મામલે આજે (૨૬ નવેમ્બર) ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઇ), ૧૩(૨) તથા સુધારા અધિનિયમ ૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.




