
ગુજરાતમાં બેટી બચાવોના લીરેલીરા.૧૩ થી ૧૬ વર્ષની ૧૬૩૩ કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો.આદિવાસી પટ્ટામાં સ્થિતિ વધુ ગંભીર જણાય છે, સગર્ભા કિશોરીઓની સંખ્યામાં વલસાડ જિલ્લો ટોચ પર છે.વિકાસ મોડેલ ગણાતા ગુજરાતમાં દીકરીઓની સ્થિતિ અંગે અત્યંત ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા મુજબ, માત્ર ૧૩ થી ૧૬ વર્ષની વયની ૧૬૩૩ દીકરીઓ સગર્ભા હોવાનું ખૂલ્યું છે. આ આંકડાઓએ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની નિષ્ફળતાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરતા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ગુજરાત સરકાર ભલે બેટી બચાવોના નારા લગાવતી હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરે છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રજૂ કરેલી વિગતો મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ દરમિયાન એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સામે આવેલા સત્તાવાર ડેટા પ્રમાણે, રાજ્યમાં ૧૩ થી ૧૬ વર્ષની કુમળી વયની ૧૬૩૩ કિશોરીઓ સગર્ભા નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે કાયદાના અસ્તિત્વ હોવા છતાં, સમાજમાં બાળલગ્નની બદી હજુ પણ જીવંત છે.
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, આદિવાસી પટ્ટામાં સ્થિતિ વધુ ગંભીર જણાય છે. સગર્ભા કિશોરીઓની સંખ્યામાં વલસાડ જિલ્લો ટોચ પર છે.
વલસાડ: ૧૯૦
દાહોદ: ૧૩૩
જામનગર: ૯૦
મહેસાણા: ૭૮
સાબરકાંઠા: ૭૬
આ ઉપરાંત આણંદ અને ડાંગમાં ૭૦-૭૦ કેસ, ખેડામાં ૬૭, અને અમદાવાદ શહેરમાં ૬૩ જ્યારે ગ્રામ્યમાં ૪૦ સગીરાઓ સગર્ભા હોવાનું નોંધાયું છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ (દ્ગહ્લૐજી-૫) ના રિપોર્ટને ટાંકીને ડૉ. દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાળલગ્નનો દર ૨૧.૮% છે. જાેકે, જિલ્લાવાર અસમાનતા ખૂબ મોટી છે. ખેડા જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ રાજ્યમાં સૌથી વધુ ૪૯.૨% નોંધાયું છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં આ દર ૩૦% થી પણ વધુ છે. અન્ય ૭ જિલ્લાઓમાં આ પ્રમાણ ૨૩% થી ૨૯.૯% ની વચ્ચે છે, જે સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.
બાળ લગ્ન પ્રતિબંધક ધારા, ૨૦૦૬ માત્ર કાગળ પર જ રહી ગયો હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે: બાળ લગ્ન કરાવનારા અને આંખ આડા કાન કરનારા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય. પીડિત દીકરીઓ માટે શિક્ષણ, આરોગ્ય અને પુનર્વસન પેકેજ જાહેર કરવામાં આવે. સૌથી વધુ અસરગ્રસ્ત ૧૫ જિલ્લાઓમાં ટાસ્ક ફોર્સ સક્રિય કરી સ્પેશિયલ એક્શન પ્લાન બનાવવામાં આવે.




