
અનેક પરિવારોની હિજરત, ફેલાયો ફફડાટ.ઈન્દ્રાડ ગામમાં કેમિકલ યુક્ત લાલ પાણીનો કહેર.જીપીસીબીની કામગીરી સામે સવાલ, સેમ્પલ લીધા બાદ પણ કંપનીઓ સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ.કડી તાલુકાનું ઈન્દ્રાડ ગામ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસની આડમાં અહીં વિનાશ નોતરાયો છે. ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી હવે પાણી નહીં પણ લાલ રંગનું જાણે ઝેર નીકળી રહ્યું છે. કેમિકલ કંપનીઓના પાપે ભૂગર્ભ જળ એટલા દૂષિત થઈ ગયા છે કે લોકો હવે ગામ છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે. તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે.
કડી તાલુકાનું ઈન્દ્રાડ ગામ, જે એક સમયે હર્યું ભર્યું હતું, તે આજે કેમિકલના કાળા કહેરનો સામનો કરી રહ્યું છે. ગામની સીમમાં આવેલી ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલના કારણે જમીનના તળમાં ઉતરેલું પાણી લાલ થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે ખેતી તો દૂર, આ પાણી પશુઓને પીવડાવવા લાયક પણ નથી રહ્યું. રોગચાળાના ભયે ગામમાંથી કેટલાક પરિવારો તો હિજરત કરી ગયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે , ગામમાં કેમિકલની જે કંપનીઓ આવેલી છે તેના દ્વારા હવાનું અને પાણીનું પ્રદૂષણ થાય છે. ગામના ૫-૧૦ બોરમાં તો લાલ પાણી જ આવે છે. GPCB વાળા ગઈ કાલે આવ્યા હતા, સેમ્પલ લઈ ગયા છે અને કહ્યું છે કે કાર્યવાહી કરીશું, પણ અમને લાગે છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને ઉદ્યોગકારોની મિલીભગત હોય છે. કોઈ ઉકેલ મળતો નથી.
જિલ્લા વિકાસ અધિકારીએ થોડા દિવસ અગાઉ ગામની મુલાકાત લીધી હતી જ્યાં ગ્રામજનોની રજૂઆત બાદ તલાટીએ ટીડીઓ અને gpcb ને રજુઆત કરી છે. તંત્ર સ્વીકારી રહ્યું છે કે સમસ્યા ગંભીર છે. જાેકે, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ મુદ્દે ટેકનિકલ કારણો આગળ ધરીને દડો જીપીસીબીમાં નાખી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે હવા પ્રદૂષણ અને ખેતરોમાં કેમિકલ વાળું પાણી આવે છે. આ બાબતે અમે GPCB ને જાણ કરી છે જેથી આગળની કાર્યવાહી થઈ શકે. અમે GPCB જાેડે ફોલોઅપ પણ લઈશું. પંચાયતના પીવાના પાણીના બોર હાલ સુરક્ષિત છે પરંતુ ખેતીના બોર બગડ્યા છે.
એક તરફ વિકાસની વાતો છે તો બીજી તરફ આ વિકાસના ભોગે વિનાશ નોતરી રહેલું ઈન્દ્રાડ ગામ છે. દસ-દસ વર્ષથી આ સમસ્યા હોવા છતાં, અધિકારીઓ માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યા છે. ગામના ખેડૂતોની જમીન બરબાદ થઈ રહી છે અને લોકો કેન્સર જેવા જીવલેણ રોગોના ભય નીચે જીવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું જીપીસીબી કુંભકર્ણની નિદ્રામાંથી જાગશે? શું ઈન્દ્રાડના બોરવેલમાંથી નીકળતું આ ‘લાલ પાણી‘ ફરી ક્યારેય ચોખ્ખું થશે ખરું કે પછી આખું ગામ પ્રદૂષણની બલી ચડી જશે?




