
૧.૮૩ લાખ નામ રદ કરવાની અપીલ ગુજરાત SIR અપડેટ: ૧૪.૭૦ લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ સમયસીમા પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા કયા જિલ્લામાં કેટલા ફોર્મ(નં ૬, નં ૭, નં ૮) મળ્યા તેની વિગતો જાહેર કરવામાં આવી છે
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ની સમયસીમા રખાઈ હતી જેમાં વધારો કરી ભારતના ચૂંટણીપંચે ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ નિર્ધારીત કરી હતી. સમયસીમા પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા કયા જિલ્લામાં કેટલા ફોર્મ(નં ૬, નં ૭, નં ૮) મળ્યા તેની વિગતો જાહેર કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ ૧૪,૭૦,૧૨૫ ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં ૬ની કુલ સંખ્યા ૭,૨૫,૯૨૦ છે, ફોર્મ નં ૭ની કુલ સંખ્યા ૧,૮૩,૨૩૫ છે જ્યારે ફોર્મ નં ૮ની કુલ સંખ્યા ૫,૬૦,૯૭૦ છે. જિલ્લાવાર ફોર્મ નં. ૬ (નવું નામ), ફોર્મ નં. ૭ (નામ રદ), ફોર્મ નં. ૮ (સુધારો) માટે મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં નિકાલ કરશે.
સૌથી વધુ ફોર્મ, ટોચના ૩ જિલ્લા
-અમદાવાદ: ૨,૧૬,૦૮૪ ફોર્મ
-સુરત: ૧,૩૧,૧૫૩ ફોર્મ
-આણંદ: ૭૮,૭૯૦ ફોર્મ
સૌથી ઓછા ફોર્મ, ટોચના ૩ જિલ્લા
-ડાંગ: ૪,૦૦૧ ફોર્મ
-નર્મદા: ૭,૩૯૭ ફોર્મ
-તાપી: ૮,૦૯૬ ફોર્મ
ઉલ્લેખનીય છે કે કોઈપણ કારણોસર જાે રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જાેડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે.




