
કઠલાલ આરોગ્ય કેન્દ્ર કે દારૂ કેન્દ્ર.કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી.દારૂબંધી હોવા છતાં કેમ્પસમાં દારૂની બોટલો જાેવા મળી, સ્ટાફ ‘ચૂપ’ અને તંત્ર ઊંઘમા.ખેડા જિલ્લાના કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલનો ‘મેડિકલ વેસ્ટ’ જાહેરમાં નાંખવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે.
તપાસમાં ખુલ્યું છે કે, મેડિકલ વેસ્ટને નિયમ મુજબ ‘કલેક્શન સેન્ટર’ સુધી મોકલવામાં આવતો નથી અને તેનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગામડાના લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે કેમિકલ અને મેડિકલ વેસ્ટનો નિકાલ આવી રીતે જાહેરમાં કરવો એ ભારે ગંભીર બેદરકારી છે.
આવી સ્થિતિને કારણે દર્દીઓ અને સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. નોંધનીય છે કે, હોસ્પિટલ સ્ટાફ આ મુદ્દે કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ સાથે હોસ્પિટલના કેમ્પસમાં દારૂની બોટલો જાેવા મળતા વધુ એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે.કર્મચારીઓ દારૂ પીતા હોવાની ફરિયાદો પણ મળી આવી છે, જ્યારે રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે, આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ ટેલિફોનિક કબૂલાત આપી છે કે, ‘મેડિકલ વેસ્ટ’ લેવા કોઈ આવતું ન હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે.




