
ગેનીબેન ઠાકોરનો હુંકાર.ઠાકોર સમાજનું નવું બંધારણ વર્ષ ૨૦૨૭ પહેલા તો નહિ જ બદલાય!.ગેનીબેન ઠાકોરે ડીજે પર પ્રતિબંધ મામલે કહ્યું કે, ડીજે વાળી વાત તો કરવાની જ નથી, એમાંય કોઈ જ ફેરફાર કરવાનો જ નથી.વાવ-થરાદના ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક યોજાઈ હતી. જેમાં બંધારણના ભંગ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોર બોલ્યા કે, “સમાજના બંધારણમાં ૨૦૨૭ પહેલા કોઈ જ ફેરફાર નહીં થાય.”
ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક આગેવાનો અને યુવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગામમાં દારૂબંધી કરવા માટેનું આયોજન કરાયું હતું. સાથે જ બંધારણના ભંગ મુદ્દે પણ કેટલાક ર્નિણયો લેવાયા છે.
ભાભરમાં મળેલી ઠાકોર સમાજની સામાજિક બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ડીજે પર પ્રતિબંધ મામલે કહ્યું કે, ડીજે વાળી વાત તો કરવાની જ નથી, એમાંય કોઈ જ ફેરફાર કરવાનો જ નથી. ૧૬ મુદાઓ જે થયા એ પાકા જ છે. એમાંય લગીરેય ક્યાંય આઘુપાછું કરવાનું નથી. હું સોશિયલ મીડિયામાં જાેઉં છું કે ટ્રેક્ટર વચ્ચે રાખીને તેનું ટેપ વગાડીને લખે કે ગેનીબેનના બંધારણનું માન રાખ્યું એટલે આપણે બંધ કરાઈએ પણ નાના નાના રસ્તાઓ તો નીકળી જ રહ્યા છે. નાસિક ઢોલ હોય ઢોલ હોય તરતડિયા હોય કે ટ્રેકટર ઉપર ટેપ હોય કે પછી સાઉન્ડ સિસ્ટમ હોય એટલે કે એક જ જગ્યાએ રાખીને વગાડી શકાય એ વાગે તો સમાજને તેમાં કઈ વાંધો નથી. ડીજે આવ્યા હતા એટલે કોઈ ઢોલવાળાએ એવું કહ્યું ન હતું કે અમારી રોજગારી બંધ થઈ ગઈ. હવે વાસણવાળા, કાપડવાળા, સોની બજારવાળા બધાય કહેશે તો આપણું બંધારણ નહિ બદલાય એટલે બંધારણ બની ગયું. ૨૦૨૬નું બજેટ પાસ થઈ ગયું હવે ૨૦૨૭ પહેલા આમાં હું વ્યક્તિગત સમાજ વતી કહું છું કે કોઈ ફેરફાર નહિ જ થાય.
બેઠક બાદ ગેનીબેને નિવેદન આપતા કહ્યું કે, તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય દારૂ બંધ કરવા માટે કરીને ગામો ગામ કમિટીઓની રચના થાય તે માટેની બેઠક હતી. સમાજને દીકરા દીકરીઓને ભણાવવા માટે હોસ્ટેલ માટે સારી જગ્યા માટે આજે ચર્ચા કરાઈ છે. ઓગડ ખાતે બંધારણ કર્યું તેનું ચુસ્ત અમલ થાય તેની પણ ચર્ચા કરાઈ છે. ગામે ગામ કમિટી બને અને સાથે મળીને આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે. આવનાર સમયની અંદર નાના મોટી ત્રુટી આવતી હશે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસે ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે, તેમ તેનું સોલ્યુશન કરીશું. સમાજ ભેગો થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરાશે.
બંધારણ ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું હતું. હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી. પણ જે કાંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને એ નક્કી કરશે. ગેનીબેન આજે મારે બે ત્રણ ધારાસભ્ય જાેડે વાત થઈ છે. પાંચ દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મીટિંગ નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ કોઈકે ભૂલ કરી છે તો એના માટે શું કરવું તેની ચર્ચા કરવામાં આવશે.




