
અમદાવાદમાં ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! iPhone ચોરીના હાઈટેક કૌભાંડનો પર્દાફાશ કરાયો.અસલી ફોન કાઢી ડમી ફોન પધરાવતા, પોલીસ સમક્ષ લાઈવ ડેમોમાં માત્ર ૨ મિનિટમાં કેમિકલથી પાર્સલ ખોલી બતાવ્યું.અમદાવાદમાં જાે તમે પણ તહેવારોની સીઝનમાં કે ડિસ્કાઉન્ટની લાલચમાં ધડાધડ ઓનલાઈન શોપિંગ કરતા હોવ તો સાવધાન થઈ જજાે. તમારું મોંઘું પાર્સલ તમારા સુધી પહોંચે તે પહેલાં જ રસ્તામાં બદલાઈ ગયું હોઈ શકે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેની મોડસ ઓપરેન્ડી જાેઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ગેંગ કેમિકલ અને ઈન્જેક્શનની મદદથી પાર્સલ ખોલીને તેમાં રહેલા કિંમતી આઈફોન અને અન્ય મોંઘી ચીજવસ્તુઓ ચોરી લેતી હતી અને તેની જગ્યાએ નકલી સામાન મૂકી દેતી હતી.
આ ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત શાતિર હતી. ગેંગના સભ્યો જ અલગ-અલગ નકલી આઈડી બનાવીને મોંઘા મોબાઈલ અને ગેજેટ્સ ઓર્ડર કરતા હતા. જ્યારે ઓર્ડર કુરિયર કંપનીમાં આવતો, ત્યારે ત્યાં નોકરી કરતા ગેંગના સાગરીતો (જેમ કે વિશાલ બાવરી) તે પાર્સલ ડિલિવરી માટે લઈ જતા હતા. રસ્તામાં તેઓ પાર્સલના પેકિંગ પર એક ખાસ પ્રકારનું પ્રવાહી (કેમિકલ) ઈન્જેક્શન દ્વારા લગાવતા હતા.
આ કેમિકલની કમાલ એવી હતી કે કંપનીની ટેપ કે સીલ તૂટ્યા વગર સરળતાથી ખૂલી જતું હતું. તેઓ માત્ર ૨ મિનિટમાં પાર્સલ ખોલીને અસલી પ્રોડક્ટ કાઢી લેતા અને તેની જગ્યાએ ડમી કે નકલી પ્રોડક્ટ મૂકીને ફરીથી તે જ રીતે પેક કરી દેતા, જેથી ગ્રાહક કે કંપનીને કોઈ શંકા ન જાય.
ચોરી કર્યા બાદ તેઓ ગ્રાહક તરીકે ઓર્ડર કેન્સલ કરી દેતા અથવા રિટર્ન કરતા અને કંપની પાસેથી રિફંડ પણ મેળવી લેતા. આમ તેમને અસલી ફોન પણ મળી જતો અને પૈસા પણ પાછા આવતા. નવા નરોડા સ્થિત એક કુરિયર કંપનીના મેનેજરને શંકા જતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં રૂ.૧.૩૪ લાખનો લેટેસ્ટ આઈફોન ૧૭ પ્રો અને અન્ય રૂ.૧.૨૨ લાખનો ફોન બદલાયો હોવાનું સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે જ્યારે આરોપી વિશાલ બાવરી અને તેની ગેંગને પકડીને પૂછપરછ કરી ત્યારે તેમણે આ ગુનો કબૂલ્યો હતો. પોલીસને ખાતરી કરાવવા માટે આરોપીઓએ લાઈવ ડેમો આપ્યો હતો. તેમણે પેટ્રોલ જેવા દેખાતા પ્રવાહીથી માત્ર ૨ મિનિટમાં પોલીસની હાજરીમાં જ પાર્સલ ખોલીને બતાવ્યું હતું, જે જાેઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. પોલીસે આ કૌભાંડમાં કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૮ અસલી ચોરીના મોબાઈલ અને ૨૫ નકલી (ડમી) મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ૪ રાજસ્થાનના અને ૧ સુરતનો વતની છે. વિશાલ બાવરી અમદાવાદમાં, મનોજ વડોદરામાં અને વિશાલ પંચાલ સુરતમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. હાલ પોલીસ આ ગેંગના અન્ય ૨ ફરાર આરોપીઓને શોધી રહી છે.
આ ઘટના ઓનલાઈન ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે. ખાસ કરીને મોંઘી વસ્તુઓ મંગાવતી વખતે ઓપન બોક્સ ડિલિવરી નો આગ્રહ રાખવો જાેઈએ અથવા પાર્સલ ખોલતી વખતે તેનો વીડિયો ઉતારવો જાેઈએ, જેથી છેતરાયા હોવ તો પુરાવો રહે.




