
કુદરતી સંસાધનોનો અન્ય વિસ્તારોમાં ઉપયોગ કરવા સામે સ્થાનિક લોકોમાં રોષ./પાક. સૈન્યના દમનથી બલુચો બળવાખોરો બન્યા.બલૂચ બળવાખોરો પણ મિલિટરીના દબાણ સામે હાર માનવાનો ઇનકાર કરીને સામે વળતી લડત આપી રહ્યાં છે.પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં તાજેતરના સમયમાં બલૂચ બળવાખોરો અને પાકિસ્તાની મિલિટરી વચ્ચે લોહિયાળ હિંસામાં વધારો થયો છે અને તેનાથી આ પ્રદેશ પર ફરી વિશ્વભરનું ધ્યાન ખેંચાયું છે. પાકિસ્તાનથી આઝાદ થવા માગતા આ પ્રાંતના લોકો પર મિલિટરી અત્યાચાર કરીને માનવાધિકારોનો ભંગ કરી રહી છે. બલૂચ બળવાખોરો પણ મિલિટરીના દબાણ સામે હાર માનવાનો ઇનકાર કરીને સામે વળતી લડત આપી રહ્યાં છે. પાકિસ્તાન સરકાર આ પ્રદેશમાં બળવાખોરીને ભડકાવવામાં વિદેશી હાથ હોવાના પાયા વગરના આક્ષેપ કરે છે, જ્યારે સ્થાનિક લોકો પાકિસ્તાનની નિરંકુશ અને દમનકારી નીતિઓને દોષી ઠેરવે છે. પાકિસ્તાન સરકાર અને બલૂચ રહેવાસીઓ વચ્ચેના સંઘર્ષ અંગે અગ્રણી પોર્ટલ યુરેશિયા રિવ્યૂએ તેના વિવેચનાત્મક વિશ્લેષણમાં જણાવ્યું હતું કે આ સંઘર્ષ માત્ર એક પ્રાદેશિક કટોકટી નથી, પરંતુ પાકિસ્તાની એક દેશ તરીકે માળખાકીય નબળાઈને છતી કરે છે. કોઇ દેશમાં સરકાર કરતાં મિલિટરી વધુ હાવી બની જાય છે ત્યારે તેના ગંભીર પરિણામો આવે છે.
વિડંબના એ છે કે વિશાળ વિસ્તાર ધરાવતો બલુચિસ્તાન પ્રાંત પાકિસ્તાનના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપતો નથી, પરંતુ તે તકોની ભૂમિ છે અને પાકિસ્તાની સરકાર પણ વૈશ્વિક મંચ પર આ પ્રાંતને તકોની ભૂમિ તરીકે રજૂ કરે છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રોજેક્ટ્સ હેઠળ ચીન આ પ્રાંતમાં જંગી રોકાણ કરી રહ્યું છે, બીજી તરફ આ પ્રાંતના ખાણકામ ક્ષેત્રમાં યુએસ મૂડી આકર્ષવા ઇસ્લામાબાદે તાજેતરમાં પ્રયાસો ચાલુ કર્યાં છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ પ્રાંતમાં તાંબુ, સોનું, કોલસો અને ગેસના વિશાળ ભંડાર છે અને પાકિસ્તાનની આર્થિક રિકવરીમાં કેન્દ્રવર્તી છે. જાેકે આ ક્ષેત્રમાં કોઇપણ પ્રોજેક્ટસની સુરક્ષાની કોઇ ગેરંટી નથી. બલુચિસ્તાનનું ભૌગોલિક સ્થાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાેકે તાજેતરમાં આ પ્રાંતમાં નવેસરથી હિંસાનો દોર ચાલુ થયો છે. લોકો પાકિસ્તાન સરકારના જુલમ અને તેની સેનાના અતિરેક સામે બળવો કરી રહ્યા છે.રીપોર્ટમાં જણાવાયું છે કે આ પ્રાંતને વ્યૂહાત્મક એસેટ માનવામાં આવે છે, પરંતુ તેમાં રહેતા લોકોને એક અવરોધ માનવામાં આવે છે, તેથી તેમાં ચીન કે પશ્ચિમ દેશોનું રોકાણ પણ સમૃદ્ધિ લાવી શકશે નહીં. ૨૦૧૯થી મિલિટરી કાર્યવાહીમાં વધારો થઈ રહ્યો છે. આવી કાર્યવાહીનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં હોવા છતાં તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. પાકિસ્તાની સરકારે બળજબરીથી લોકોને ગુમ કરવા, હત્યાઓ અને બલુચ કાર્યકરોની સામૂહિક ધરપકડ જેવા લાંબા સમયથી ચાલતા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે કંઇ કર્યું નથી.




