
ઈરાને કહ્યું- અમે કોઈ બેઠકમાં જવાના નથી શાંતિ વાર્તા અદ્ધરતાલ! ટ્રમ્પનો દોહામાં મીટિંગનો દાવો ઈરાનના આ ચોંકાવનારા નિવેદને બંને દેશો વચ્ચે ચાલી રહેલા નાજુક શાંતિ કરારની લાઈફલાઈનને નબળી પાડી દીધી છે કતારના પાટનગર દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે મંગળવારે યોજાનારી સંભવિત વાતચીત અત્યારે સંપૂર્ણપણે અદ્ધરતાલ લટકી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાનનું પ્રતિનિધિમંડળ દોહામાં મુલાકાત કરવાનું છે. પરંતુ, આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાને સ્પષ્ટ નકારો ભણી દીધો છે કે આગામી દિવસોમાં અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીતનો કોઈ કાર્યક્રમ નક્કી નથી.ઈરાનના આ ચોંકાવનારા નિવેદને બંને દેશો વચ્ચે ચાલી રહેલા નાજુક શાંતિ કરારની લાઈફલાઈનને નબળી પાડી દીધી છે. હોર્મુઝની ખાડીમાંથી જહાજાેના પસાર થવા મુદ્દે ચાલી રહેલા મતભેદો ફરી સપાટી પર આવ્યા છે.આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે હજુ થોડા દિવસો પહેલા જ બંને દેશો વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં સૈન્ય સંઘર્ષ સમાપ્ત કરવા માટે એક ડીલ થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે મિડલ ઈસ્ટનું મહાયુદ્ધ હવે શાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ અચાનક હોર્મુઝમાં જહાજાેની અવરજવર અંગે નવો વિવાદ શરૂ થયો, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના શહેરો પર ભારે બોમ્બમારો પણ કર્યાે હતો.દોહામાં યોજાનારી આ બેઠક અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ જણાવ્યું કે, ઈરાનનું એક પ્રતિનિધિમંડળ આ અઠવાડિયે કતારની મુલાકાતે જશે ખરું, પરંતુ આ પ્રવાસને દોહામાં અમેરિકાના અધિકારીઓ સાથેની કોઈ બેઠક કે વાર્તાલાપ સાથે કોઈ લેવાદેવા નથી. તેહરાન અને અમેરિકા વચ્ચે આગામી દિવસોમાં કોઈ વાતચીત નક્કી થઈ નથી. અંતિમ કરાર પર હજુ ચર્ચા શરૂ થઈ નથી, કારણ કે ઈરાનની પ્રાથમિકતા હાલમાં ડીલ સંબંધિત એમઓયુની મુખ્ય જાેગવાઈઓનો અમલ કરાવવાની છે.આશ્ચર્યની વાત એ છે કે ઈરાનનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટના થોડા જ સમય બાદ આવ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યાે હતો કે ખુદ ઈરાને જ આ વાતચીત માટે વિનંતી કરી હતી. ત્યારબાદ વ્હાઇટ હાઉસ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશ્નર આ હાઈ-લેવલ મીટિંગ માટે દોહા જવા રવાના થવાના છે.



