
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સચિન, સુડા, કનકપુર,કંસાડ, પાલીગામ, તલંગપોર, પલસાણા,
કડોદરા,જોળવા,તાતીથૈયા જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સહિત હજીરા,કીમ,પીપોદરા જેવી અલગ-અલગ જગ્યાઓ
ઉપર મજૂર વર્ગો માટે બિલ્ડીંગોમાં ૮x૮ કે ૧૦x૧૦ ની ઊભી કરાતી રૂમો જેમાં હવા ઉજાસ તો દૂરની વાત છે. પરંતુ
શ્વાસ લેવો પણ ભારે પડે એવી એક એક રૂમોમાં ૫ થી ૭ વ્યક્તિઓ ભાડે રહેતી હોય છે.
આ બિલ્ડીંગો ઊભી કરનારાઓની ઉપર ઉપરોક્ત વિસ્તારોના પદાધિકારીઓ અને અધિકારીઓની મીઠી
નજર હોવાથી આડેધડ બિલ્ડીંગો ઊભી થઈ રહી છે અને મજૂર વર્ગનું આર્થિક શોષણ કરાઈ રહ્યું છે.
સદર બિલ્ડીંગો ઊભી કરનારા નાનો મોટો ધંધો કરીને પૈસા કમાઈને બાંધકામ અંગેની કોઈ જાણકારી કે
અનુભવ નહીં હોવા છતાં આર્કીટેક કે સિવિલ એન્જિનિયરની સલાહ સૂચન કે બિલ્ડીંગના પ્લાન, નકશા મુક્યા વગર
આડેધડ આવી બિલ્ડીંગો ઊભી કરતાં હોય છે. જેમને બિલ્ડીંગમાં વપરાતા સિમેન્ટ, લોખંડની ગુણવત્તાનો કોઈ
અનુભવ હોતો નથી.
આમ ૮x૮ કે ૧૦x૧૦ ની રૂમોવાળી બિલ્ડીંગો જાણેકે જેલની કોટડીઓ હોય એવો અનુભવ રૂમોમાં રહેતા
ફેક્ટરીના કામદારોને થતો હોય છે. કારણકે ગરમીના સમયમાં આ રૂમોમાં રહેતા મજૂર કામદારોની હાલત ઘણી જ
ખરાબ થઈ જતી હોય છે. એક તો ફેકટરીની ગરમીથી કંટાળેલો કામદાર થાક્યો પાકયો ઘરે આવે તો અહીં રૂમોમાં
હવા-ઉજાસ નહીં હોવાથી થતી બફારાની ગરમીથી પરેશાન થઈ પરસેવે રેબઝેબ થઈ જતો હોય છે. જે એમના
સ્વાસ્થય માટે જોખમ કારક બની જાય છે.
આવી બિલ્ડીંગો ઊભી કરનારાઓ ઉપરના ભાગમાં રૂમો બનાવી નીચે પાછી દુકાનો બનાવીને એમાં પોતે
અથવા નજીકના સગાં-સબંધીઓને દુકાનો ભાડે આપી એમાં અનાજ કરીયાણાની દુકાન બનાવે છે. અને અન્ય દુકાનો
અન્ય લોકોને એમના ધંધા માટે ભાડે આપી એમાં પણ ભાડાની આવક કરતા હોય છે. હવે અનાજ કરીયાણાની દુકાન
પણ બિલ્ડીંગ માલિકની અથવા પોતાના નજીક ના સગાં વહાલાઓની હોવાથી જ એમાં પણ એની જોહુકમી પણ
કેવી કે એની રૂમોમાં રહેતા મજૂરોએ અન્ય દુકાનોએથી અનાજ કરીયાણા લેવા નહીં પોતાની દુકાનેથી જ લેવાની
ભાડૂત મજૂરોને ફરજ પાડવામાં આવે છે. જેમાં વેપારી ધ્વારા મજૂર વર્ગનું આર્થિક શોષણ કરાતું હોય છે. જેમકે
ભેળસેળીઓ માલ,જાણીતી બ્રાન્ડ જેવી કે સાબુ,ટૂથપેસ્ટ, તેલ વિગેરે જેવી બ્રાન્ડેડ ચીજોના નામે ઉલ્લાસનગર ની
ડુપ્લિકેટ અને ઓછી ગુણવત્તા વાળી આઇટમો પધરાવી અસલી માલના પૈસા વસુલ કરાતા હોય છે. જે માટે
મજૂરોની માસિક ડાયરી બનાવવામાં આવે છે. જેમાં લખાયેલી ખાધ્ય પદાર્થોની આઇટમો જેવીકે દાળ, ચોખા, કઠોળ
તેમજ પ્રોવિઝનને લગતી દરેક આઇટમો તદ્દન હલ્કી કક્ષાની એટલેકે ઓછી ગુણવત્તા વાળી પધરાવીને બ્રાન્ડેડ નામે
પૈસા વસૂલ કરવામાં આવે છે.
સદર ડાયરીનો માસિક હિસાબ થતાં પૈસા ચુકવતી વખતે મજૂરો ધ્વારા વધારે ભાવ કે વસ્તુની ગુણવત્તા
અંગેનો કોઈ ભાવતાલ નહી કરતા હોવાથી દુકાનદાર ધ્વારા ટોટલમાં પણ ગોબાચારી કરી ને ડાયરીમાં લખ્યા મુજબનું
પેમેન્ટ દુકાનદારને કરી અને મજૂર રવાના થાય છે. જે માલ દુકાનદાર ધ્વારા વેચાણ આપવામાં આવ્યો હોય છે એ
હલ્કી કક્ષાનો હોવાને કારણે મજૂરોના આરોગ્યને નુકશાન કર્તા સાથે હાનિકારક બને છે. જેનાથી એના સ્વાસ્થય ને
પણ અસર થતાં લાંબાગાળે મજૂરોમાં માંદગીનું પ્રમાણ વધતું જતું હોય છે. જે ચિંતાજનક બાબત છે. આ અંગે
અનાજ- કરિયાણાની દુકાનોમાં વેચાતી પ્રોવિઝનલ આઇટમોનું આરોગ્ય ખાતા ધ્વારા તેમજ તોલમાપ ખાતા ધ્વારા
વારંવાર ચેકિંગ થવું જરૂરી છે. છતાં એ અંગે સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં છે.
સદર ઊભી કરાયેલી બિલ્ડીંગોમાં ૫૦ થી ૧૦૦ જેટલી રૂમો ૮x૮ કે ૧૦x૧૦ સાઇઝની બનાવેલી હોય છે
અને આ રૂમો કેવી રીતે ઊભી થઈ રહી છે. એની પાછળનું કારણ કે આવી બિલ્ડીંગો ઊભી કરનારા શખ્સો ધ્વારા સુરત
મ.ન.પા, સુડા, નગર પંચાયત કે પંચાયતોમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓના વચેટીયાઓ ધ્વારા
“વહીવટ” નો “વહેવાર” કરાતા આ ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના “પાપે” ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ભાડા
ખાઉઓ ધ્વારા આડેધડ બિલ્ડીંગો ઊભી કરાઈ મજૂરોના જાન ને જોખમ માં મૂકી રહ્યા છે.
આવી સ્થાઈ આવક અને ભાડું ખાવા ઊભી કરાતી બિલ્ડીંગોની આજદિન સુધી કોઈ અધિકારીઓ કે
પદાધિકારીઓ એ રૂબરૂ મુલાકાત લઈને બિલ્ડીંગોની ગુણવત્તા અને હવા ઉજાસ અંગેની કોઈ ગંભીર પણે તપાસ કરાઈ
નહીં હોવાથી પણ મજૂર વર્ગ બિચારો બાપડો બની નર્ક જેવી જીંદગી જીવવા મજબુર બની રહ્યો છે. રૂબરૂ મુલાકાતો
નહીં લેવાનું કારણ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓ કે પદાધિકારીઓને એમના મળતિયાઓ ધ્વારા
પ્લોટ દીઠ એટલેકે એક પ્લોટ,બે પ્લોટ કે વધારે પ્લોટ ભેગા કરીને બનાવેલી બિલ્ડીંગો માટે નક્કી કરાયેલી રકમના
બંધ કવરો બિલ્ડીંગ માલિકો તરફથી મળી જતાં હોવાથી સ્થળની સ્પોટ વિઝિટ કરવાનું અધિકારીઓ અને
પદાધિકારીઓ ટાળે છે.
સદર બિલ્ડીંગોમાં ભાડે અપાતી રૂમોમાં રહેતી વ્યક્તિઓની કોઈ ઊંડાણ પૂર્વકની તપાસ પણ બિલ્ડીંગ
માલિકો ધ્વારા કરાતી નહીં હોવાથી થોડાક સમય પહેલા પલસાણા વિસ્તારમાં અસામાજિક તત્વો ધ્વારા M.D ડ્રગ્સ,
નાર્કોટીકસ જેમાં ગાંજો, ચરસ,ભાંગ, અફીણ, દારૂ વિગેરે જેવા નશીલા પદાર્થો પકડાયા હતા. જે બિલ્ડીંગ માલિકોની
બેદરકારી અને બેજવાબદારીનો નમૂનો છે. કારણકે બિલ્ડીંગ માલિકો ધ્વારા એ તપાસ નથી કરાતી કે રૂમ ભાડે લેનાર
ક્યાં નોકરી કરે છે? એના ઓળખના પુરાવાઓ પણ અસલ છે કે નકલી? એના શું ગોરખધંધા છે? આવી કોઈ
જીણવટભરી પણ તપાસ કર્યા વગર રૂમો ભાડે આપી દેવાય છે.
આમ આ સમગ્ર પ્રકરણમાં જેમ અધિકારીઓ અને પદાધિકારીઓ જેટલા જવાબદાર છે એનાથી વધુ
જવાબદારી સ્થાનિક પોલીસ તંત્રની છે. કારણકે એણે પોતે માલિકો પાસેથી ભાડૂતોની માહિતી એકત્રીત કરી તપાસ
કરવાની હોય છે. એને બદલે ભ્રષ્ટાચારથી ખદબદતું પોલીસ તંત્ર પોતાની જવાબદારીવાળા વિસ્તારોમાં આવી
બિલ્ડીંગો હોય એવા બિલ્ડીંગ માલિકોને સ્થાનિક પોલીસ એમના મળતિયાઓ ધ્વારા હોળી,દિવાળી કે વાર-તહેવારે
જેતે પોલીસ સ્ટેશનોમાં બોલાવી પોતાનો વહીવટ કરાવતા હોય છે. આ ખેલમાં કેટલાક અધિકારીઓ સારી રીતે
નશીલા પદાર્થોના વેપલાને જાણતા હોવા છતાં આંખ આડા કાન કરીને પોતાનો ઉલ્લુ સિધો કરી લેતા હોવાને કારણે
પણ ડ્રગ્સનો વેપાર ચાલતો રહેતો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી ઓછી ગુણવત્તાવાળી બિલ્ડીંગો ભૂતકાળમાં પણ ધરાસાઈ થઈ ને કેટલાય ના
જાન-માલ ને નુકશાન કરેલ છે. ઉપરાંત આ રૂમોમાં રહેતા મજૂર કામદારો વચ્ચે કોઈ વાદ-વિવાદને લઈ તકરાર કે
મારામારી માં કોઈનું મૃત્યુ થાય તો એને પણ આત્મહત્યામાં ખપાવી પૂરતી તપાસ નહીં કરીને મૃત્યુ પામનારના
પરિવારને ડેથબોડી સુપ્રત કરી દેતા હોય છે. આનાથી વધુ શરમ જનક શું હોય શકે? આમ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો
મજૂર વર્ગ ભગવાન ભરોસે પોતાની જીંદગી વિતાવી પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો હોય છે.




