
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબ વર્ગની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. ખેડૂતોને ખેતી ખર્ચ, સિંચાઈ માટે પૂરતું પાણી, યોગ્ય અને પૂરતી એમએસપી, દિવસ દરમિયાન મફત અથવા સસ્તી વીજળી અને ખાનગી બીજ-ખાતરની કંપનીઓથી રાહત જેવી મૂળભૂત જરૂરિયાતો છે. પરંતુ સરકારે ખેડૂતો માટે કોઈ સ્પષ્ટ અને અસરકારક પ્રાવધાન કર્યું નથી. સુજલામ સુફલામ યોજના હેઠળ ફક્ત ₹1,540 જેવી રકમ આપવામાં આવે છે, જે ખેડૂતો માટે અપર્યાપ્ત છે. કાયદા બનાવવામાં આવે છે, પરંતુ ખેડૂતોને વાસ્તવિક લાભ મળતો નથી. એક લાખથી વધુ નાગરિકો સરકારી રાશન પર નિર્ભર છે. રાશન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર રોકવા માટે કોઈ મજબૂત પગલાં લેવાયા નથી. પંજાબ અને દિલ્હીમાં ઘર સુધી રાશનની ડિલિવરીની વ્યવસ્થા છે, પરંતુ ગુજરાતમાં આવી કોઈ વ્યવસ્થા નથી. યુવાનો અંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં અંદાજે 50 લાખ બેરોજગાર યુવાનો છે. સરકારી ભરતી માટે પારદર્શક કેલેન્ડર જાહેર કરવામાં આવતું નથી અને ઘણી ભરતી આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવે છે. પરીક્ષાઓ મર્યાદિત જગ્યાઓ માટે લેવાય છે, જેના કારણે યુવાનો નિરાશા અનુભવે છે. રોજગારના અભાવે યુવાનો ખોટી દિશામાં વળી રહ્યા હોવાની ચિંતા ઇસુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવી.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મહિલાઓના ખાતામાં સીધી આર્થિક સહાય આપે છે, પરંતુ ગુજરાતની બેન-દીકરીઓ વર્ષોથી ભાજપને વોટ આપે છે પરંતુ ભાજપે એમને એક પૈસો પણ આપવાની યોજના જાહેર કરી નહીં. રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં નથી આપવામાં આવતો. આશાવર્કર અને આંગણવાડી બહેનોને યોગ્ય વેતન અને સુવિધાઓ મળતી નથી. મહિલાઓને મફત આરોગ્ય સેવા, શિક્ષણ અને અન્ય કલ્યાણકારી સુવિધાઓ અંગે કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મફત વીજળી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. MSME માટે 1700 કરોડની જાહેરાત કરવામાં આવી, જ્યારે ગુજરાતમાં 30 લાખથી વધુ MSME છે. નાના ઉદ્યોગો પાસેથી તો અધિકારીઓ વધારે હપ્તો લઈ લેતા હશે. MSME બંધ થાય એવા કામો સરકારે કર્યા છે. મધ્યમ વર્ગ ભાજપનો સૌથી મોટો મતદાર છે, પણ ભાજપે મધ્યમ વર્ગને શું આપ્યું? ? પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર મફત વીજળી આપે છે જેથી લોકોને મોંઘવારીમાં રાહત મળે છે. પણ ગુજરાતમાં સરકારે આવું કશું કર્યું નથી કે જેનાથી મધ્યમ વર્ગને થોડી રાહત મળી.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી. એમએસપીની સંપૂર્ણ ખરીદી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પંજાબમાં ખેડૂતનો બધો પાક MSPથી ખરીદવામાં આવે છે અને MSPના ભાવથી નીચે પ્રાઇવેટ ખરીદારો પણ પાક ખરીદી શકતા નથી. ઈસુદાન ગઢવીએ આ બજેટને “કોપી-પેસ્ટ” બજેટ ગણાવી કહ્યું કે તેમાં થોડાક આંકડાકીય ફેરફારો સિવાય કોઈ નવી દિશા કે દ્રષ્ટિ દેખાતી નથી. આ બજેટથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને ગરીબ વર્ગમાં કોઈ નવી આશા જન્મી નથી. તેમણે દાવો કર્યો કે ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને યોગ્ય વ્યવસ્થા ન થાય તો આવનારી ચૂંટણીઓમાં સરકારને તેનો જવાબ આપશે.




