
ડિજિટલ ફૂટપ્રિન્ટ્સથી થયો ખુલાસો.બાંદા જિલ્લામાં સરકારી એન્જિનિયર અને તેની પત્નીએ ૩૩ માસૂમ બાળકોનું શોષણ કર્યું.છેલ્લા ૧૦ વર્ષમાં અંદાજે ૩૩ બાળકોનું જાતીય શોષણ કર્યું અને તેના બિભત્સ વીડિયો બનાવી ડાર્ક વેબ દ્વારા ૪૭ દેશોમાં વેચ્યા.યુપીના બાંદા જિલ્લામાંથી સામે આવેલી આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે. અહીં એક સરકારી એન્જિનિયર અને તેની પત્નીએ મળીને માસૂમ બાળકોના જીવન નરક બનાવી દીધા હતા. સિંચાઈ વિભાગના પૂર્વ જુનિયર એન્જિનિયર રામભવન અને તેની પત્નીએ છેલ્લા ૧૦ વર્ષમાં અંદાજે ૩૩ બાળકોનું જાતીય શોષણ કર્યું અને તેના બિભત્સ વીડિયો બનાવી ડાર્ક વેબ દ્વારા ૪૭ દેશોમાં વેચ્યા હતા. આ મામલાની ગંભીરતાને જાેતા કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ રેર‘ કેસ ગણાવીને પતિ-પત્ની બંનેને ફાંસીની સજા ફટકારી છે.
આ આંતરરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઈન્ટરપોલને ડિજિટલ મોનિટરિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ જાેવા મળી. ઈન્ટરપોલે ભારતની તપાસ એજન્સીઓને એલર્ટ કરી અને ઑક્ટોબર ૨૦૨૦માં સીબીઆઈએ (CBI) આ કેસ હાથમાં લીધો. તપાસ દરમિયાન જ્યારે એન્જિનિયરના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કમાંથી બાળકોના શોષણના સેંકડો ફોટો અને વીડિયો મળી આવ્યા હતા,જેણે તપાસ અધિકારીઓને પણ સ્તબ્ધ કરી દીધા હતા.રામભવન બાળકોને ઓનલાઈન ગેમ રમવાની લાલચ, પૈસા અથવા નાની ભેટ આપીને પોતાના જાળમાં ફસાવતો હતો. આ નેટવર્ક ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન બાંદા અને ચિત્રકૂટ વિસ્તારમાં સક્રિય હતું. જે બાળકો જાળમાં ફસાઈ જતા, તેમને ડરાવી-ધમકાવીને કે બ્લેકમેલ કરીને તેમનું શોષણ કરવામાં આવતું હતું. આ અત્યાચારનો ભોગ બનેલા કેટલાક બાળકોની ઉંમર તો માત્ર ૩ વર્ષ જેટલી નાની હતી. આ શારીરિક અને માનસિક ત્રાસને કારણે ઘણા બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ગંભીર માનસિક આઘાતમાં જીવી રહ્યા છે.
સીબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૨૧માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ૭૪ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પોક્સો કોર્ટે ૧૬૦ પાનાના ઐતિહાસિક ચુકાદામાં બંને ગુનેગારોને ફાંસીની સજા સંભળાવતા કહ્યું કે, ‘બંનેને ત્યાં સુધી ફાંસી પર લટકાવવામાં આવે જ્યાં સુધી તેમનું મૃત્યુ ન થાય.‘ આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે દરેક પીડિત બાળકને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, જેથી તેમના પુનર્વસન અને ભવિષ્યને સુરક્ષિત કરી શકાય.




