
દરિયાકાંઠો ફરી એકવાર સ્મગલરો માટે ‘હોટસ્પોટ’ બન્યો દ્વારકાના દરિયામાં ૫ કરોડની વિદેશી સિગારેટ સાથે અલ મુખ્તાર બોટ ઝડપાઈ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાનો હતા
ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર સ્મગલરો માટે ‘હોટસ્પોટ’ બની રહ્યો હોય તેમ લાગે છે, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ સ્મગલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભારતીય કોસ્ટગાર્ડે દેવભૂમિ દ્વારકાથી ૧૧૫ નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એક સફળ ઓપરેશન પાર પાડીને ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને કરોડોની કિંમતના પ્રતિબંધિત જથ્થા સાથે ઝડપી પાડી છે.
ચોક્કસ બાતમીના આધારે કોસ્ટગાર્ડે મધદરિયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે ‘અલ મુખ્તાર’ બોટને આંતરીને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સ્મગલરોએ બોટના હોલ્ડમાં અત્યંત ચાલાકીપૂર્વક એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું.
આ ખાનામાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટના ૨૦૦ જેટલા કાર્ટન (અંદાજે ૧ લાખ પેકેટ) મળી આવ્યા હતા.
પ્રાથમિક અંદાજ મુજબ, આ ઝડપાયેલી વિદેશી સિગારેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. ૨.૫ કરોડથી ૫ કરોડ આંકવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ બોટમાં સવાર ૪ ઈરાની ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી લીધી છે. આ તમામ શખ્સો અને બોટને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિવિધ તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ સ્મગલિંગ નેટવર્ક પાછળ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય માથાઓનો હાથ છે?
ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની ઘૂસણખોરીના વધતા કિસ્સાઓને જાેતા હવે દરિયાઈ પેટ્રોલીંગમાં પણ મોટો વધારો કરી દેવામાં આવ્યો છે.




