
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદના માધ્યમથી મીડિયા સમક્ષ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતના છેવાડા સુધીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે .એ વાત ભાજપથી જોવાતી નથી અને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. માટે તેઓ હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભૂંડ અને ગાયના માંસના દૂધનો પર્દાફાશ કર્યો હતો. ભૂંડ અને ગાયનું માંસ નાંખીને, યુરિયા ખાતર નાંખીને તથા ઝેરી કેમિકલવાળું દૂધ બનાવીને ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં દૂધ ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો, એ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પરંતુ આજદિન સુધી પોલીસે એ બાબતે ફરિયાદ લખી નથી. જે કામ સરકારે કરવાનું હોય એ કામ યુવરાજસિંહ કરી રહ્યા છે, યુવરાજસિંહને એવોર્ડ આપવાની જગ્યાએ એમના પર હુમલો કરનાર માફિયાને ગુજરાતની સરકાર છાવરી રહી છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જેમ મજબૂત બની તેમ તેમ હવે હુમલાઓની રાજનીતિ શરૂ થઈ છે. ગતરોજ આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ પર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો. ગોંડલ નગરપાલિકાના કેટલાક પ્રશ્નોને લઈને આમ જનતાએ જીગીશાબેન પટેલને વાત કરી કે “અમારા વિસ્તારમાં આ પ્રશ્નો છે, તો તમે સાંભળવા આવો” ભાજપના નેતાઓ કામ ઓછું કરે છે અને ગુંડાગર્દી વધારે કરે છે, માટે જનતાને તેમના પર વિશ્વાસ નથી. માટે લોકોએ જીગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જીગીશાબેન ત્યાં પહોંચ્યા તો ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને જીગીશાબેન પર એક કાયરતાપૂર્વક હુમલો કરાવ્યો. રામાયણમાં જેમ રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરી રહ્યા છે, તો આ જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે તેનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. અમે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરીશું કે ગુજરાતમાં જે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલાઓ થાય છે, એવી યુપી બિહારની રાજનીતિ બંધ કરી દો. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડવા, તલવારો મારવી આ ગુજરાતની સંસ્કૃતિ નથી. યુવરાજસિંહ જાડેજા અને જીગીશાબેન પટેલ પર ભાજપના લોકોએ જે હુમલો કર્યો છે, તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આવા હુમલાઓ ફરીથી ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી વિરોધ કરશે અને જાગૃતિ ફેલાવશે.
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં બેફામ બનેલા નેતાઓ અને તેમના કોર્પોરેટરો અમારી પાર્ટીને જવાબ આપવાની જગ્યાએ, પોતાના ત્રીસ વર્ષના શાસનમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર, ભય અને ભૂખનો સામનો કરવાથી બચી રહ્યા છે. અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નકલી દૂધ ડેરીમાં ભરાતું હોવાના પુરાવા, વિડિઓ અને તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા છે, છતાં તેના પર કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારનું પોલીસ તંત્ર પણ આ મામલે યોગ્ય પગલાં લેતું નથી. આ જ રીતે, જીગીશાબેન પટેલને તેમના વિસ્તારના લોકોએ એક સમસ્યા અંગે જાણ કરી હતી. તેમણે સંબંધિત કોર્પોરેટરને ફોન કરીને કહ્યું હતું કે તમારા વિસ્તારમાં આવી સમસ્યા છે, તેનો ઉકેલ લાવો અને તમે પણ સ્થળ પર આવો. પરંતુ આરોપ મુજબ, તે કોર્પોરેટરે અસામાજિક તત્વોને ભેગા કરીને જીગીશાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો. હાલ જિગિશાબેન સારવાર હેઠળ છે, છતાં હજુ સુધી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી નથી. પોલીસ કોની રાહ જોઈ રહી છે અને કોની રક્ષા કરી રહી છે? એક તરફ સામાન્ય બાબતોમાં પણ ધારાસભ્યો સામે એફઆઈઆર નોંધાઈ અને તરત જ ધરપકડ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગંભીર મામલાઓમાં કાર્યવાહી થતી નથી. તેમણે દાવો કર્યો કે ખોટા કેસોમાં એફઆઈઆર નોંધાવીને તેમને 80 દિવસથી વધુ સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે જો જીગીશાબેન પટેલને ન્યાય નહીં મળે, તો રસ્તાથી લઈને વિધાનસભા સુધી કાર્યક્રમો યોજીને ભાજપની સરકારને જવાબ આપવામાં આવશે.




