
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગૃહમાં તારાંકિત પ્રશ્નો દરમિયાન તેમના અઢારમા ક્રમાંકના પ્રશ્ન હેઠળ અંબાજી નજીક પાડલિયા ગામમાં વન વિભાગ દ્વારા વનીકરણ માટે કેટલો પોલીસ બંધોબસ્ત અને કેટલા વાહનો ફાળવવામાં આવ્યા હતા અને કેટલી માંગણી કરવામાં આવી હતી તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં ગૃહમાં જણાવાયું કે બે સરકારી વાહનો અને અંદાજે 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી. વધુમાં, કેટલા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા તે અંગે પૂછતાં જવાબ મળ્યો કે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નહોતું. ઉપરાંત, આ ઘટનામાં 17 જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ ગૃહમાં જણાવાયું. તેમણે જણાવ્યું કે આદિ અનાદિ કાળથી વસવાટ કરતો આદિવાસી સમાજ જંગલ અને પર્યાવરણનું સંરક્ષણ કરતો આવ્યો છે. પાડલિયા ગામની ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમાચારોમાં તીર-કાંડા, ભાલા, પથ્થરમારો અને 40થી વધુ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા તેમજ બે-ત્રણ વાહનોને આગ ચાંપી દેવાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. તેઓ સ્થળ મુલાકાતે ગયા ત્યારે ગામજનો દ્વારા જણાવાયું કે તેઓ પેઢીઓથી ત્યાં રહે છે અને વન વિભાગે અચાનક વનીકરણના નામે કાર્યવાહી કરી કૂવા તોડી નાખ્યા, ઘરોને નુકસાન પહોંચાડ્યું અને વાતચીત દરમિયાન અચાનક લાઠીચાર્જ કર્યો. ગામજનોના કહેવા મુજબ 27 જેટલા ટિયર ગેસના સેલ છોડાયા હતા અને ફાયરિંગ પણ થયું હતું, પરંતુ સત્તાવાર અહેવાલમાં ફાયરિંગ ન હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સત્તાવાર રિપોર્ટ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને માહિતી મળ્યા બાદ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે પાડલિયા ગામમાં કેટલા લોકોએ જંગલ જમીન માટે દાવા અરજીઓ કરી છે તે અંગે પૂછતાં વન વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા શૂન્ય દાવા દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ ગામજનો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે અનેક લોકોએ દાવા અરજીઓ કરી છે અને કેટલાક ખેડૂતો પાસે જૂના જંગલ ખાતાના દસ્તાવેજો પણ હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ચાલુ નાણાકીય બજેટમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કોપર ખાણ માટે જોગવાઈ કરવામાં આવી છે. તેથી ગામોની જમીન નીચે ખનીજ સંસાધનો હોવાની શક્યતાને કારણે આટલો પોલીસ અને વન વિભાગનો બંદોબસ્ત કરવામાં આવ્યો હોય તેવી શંકા વ્યક્ત કરી. તેમણે યાદ અપાવ્યું કે જંગલ સુરક્ષા કાયદો અંગ્રેજ શાસનકાળમાં બનાવાયો હતો, જ્યારે આદિવાસી સમાજ હજારો વર્ષોથી ત્યાં વસે છે અને પરંપરાગત રીતે જંગલ પર તેમનો અધિકાર રહ્યો છે. તેમણે સરકારને અનુરોધ કર્યો કે આદિવાસી સમાજ સાથે આવું ફરી ન બને અને તેમના અધિકારોનું સંરક્ષણ કરવામાં આવે.




