
કાર્યકારિણીની બેઠકમાં લેવાયો ર્નિણય સુનેત્રા પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરાયા અજિત પવારના નિધન બાદ પાર્ટીમાં ખાલી જગ્યા ઊભી થઈ હતી મહારાષ્ટ્રની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુનેત્રા પવારને Nationalist Congress Party (NCP) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે. આ ર્નિણય પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક અને વિશેષ અધિવેશન દરમિયાન લેવામાં આવ્યો હતો.
અધિવેશન દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે ભાવુક ભાષણ આપ્યું. તેમણે જણાવ્યું કે, અજીત પવારના નિધન બાદ પાર્ટીમાં નેતૃત્વ અંગે અનેક અટકળો થઈ હતી, પરંતુ નેતાઓએ એકતા જાળવી રાખી.
પ્રફુલ્લ પટેલે કહ્યું કે, બધા આગેવાનો સાથે ચર્ચા કરીને નવા અધ્યક્ષની પસંદગી માટે સંમેલન બોલાવવામાં આવ્યું હતું. તેમણે સુનેત્રા પવારનું નામ ઔપચારિક રીતે પ્રસ્તાવિત કર્યું, જેને હાજર તમામ પ્રતિનિધિઓએ સમર્થન આપ્યું. અંતે તેમને સર્વાનુમતે રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા.
અજિત પવારના નિધન બાદ પાર્ટીમાં ખાલી જગ્યા ઊભી થઈ હતી. NCP ના વિવિધ વિભાગોના લગભગ ૩૦ જેટલા પ્રમુખોએ નેતૃત્વમાં સ્પષ્ટતા લાવવા માંગણી કરી હતી. તેઓએ કાર્યકારી નેતૃત્વને પત્ર લખીને સુનેત્રા પવારને આ જવાબદારી સોંપવાની વિનંતી કરી હતી. આજે આ માંગણીને સત્તાવાર સ્વીકાર મળી ગયો.
સુનેત્રા પવાર તેમના પતિના અવસાન બાદ પણ સક્રિય રહી છે. ૩૧ જાન્યુઆરીએ તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ત્યારથી રાજ્ય તથા પક્ષ માટે જવાબદારીઓ નિભાવી રહ્યા છે. પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, નવા નેતૃત્વ હેઠળ NCP વધુ મજબૂત બનીને આગળ વધશે અને સંગઠનને નવી દિશા મળશે.




