
શાહરૂખ ખાનના ઓનસ્ક્રીન પિતાની ભજવી હતી ભૂમિકા ‘દેવદાસ’ ફેમ વિજય કૃષ્ણાનું ૮૧ વર્ષની વયે નિધન અનુપમ ખેરે પણ વિજય કૃષ્ણાના સમાચારને અત્યંત દુ:ખદ ગણાવતા ‘ઓમ શાંતિ’ લખી શ્રદ્ધાંજલિ આપી હતી બોલિવૂડના પીઢ અભિનેતા અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવનાર વિજય કૃષ્ણાનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. આ દુ:ખદ સમાચારથી ફિલ્મ જગત અને થિયેટર કલાકારોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.અભિનેતા વિજય કૃષ્ણાએ ૮૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અનુપમ ખેર, લિલેટ દુબે અને સબા પટૌડી સહિતના કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. લિલેટ દુબેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, “દિલ તૂટી ગયું છે. અમારા વહાલા વિજય કૃષ્ણા હવે નથી રહ્યા.
તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અમારા થિયેટર પરિવારનો ભાગ હતા”. અનુપમ ખેરે પણ આ સમાચારને અત્યંત દુ:ખદ ગણાવતા ‘ઓમ શાંતિ’ લખી શ્રદ્ધાંજલિ આપી હતી.વિજય કૃષ્ણા માત્ર એક કલાકાર જ નહીં, પરંતુ એક પર્યાવરણવાદી અને જાણીતા ગોદરેજ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા બિઝનેસના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ હતા. ભારતીય થિયેટરમાં તેઓ એક ખૂબ જ જાણીતો ચહેરો હતા, જ્યાં તેમણે ૨૫ વર્ષથી વધુ સમય સુધી પ્રદર્શન કર્યું હતું. વર્ષ ૨૦૦૪ની અંગ્રેજી ફિલ્મ ‘ડાન્સ લાઈક એ મેન’ માં તેમના પાત્ર માટે તેમને ખૂબ જ પ્રશંસા મળી હતી, જે ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.હિન્દી સિનેમામાં તેમને વર્ષ ૨૦૦૨ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દેવદાસ’ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન (દેવદાસ) ના પિતા નારાયણ મુખર્જીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.તેમના પત્ની સ્મિતા કૃષ્ણા એક જાણીતા બિઝનેસમેન છે, જેમની નેટવર્થ આશરે ૨.૫ બિલિયન ડૉલર છે. ૨૦૨૪ના અંતમાં તેમની પત્ની અને જમશેદ ગોદરેજને ભારતના સૌથી ધનિક લોકોની ફોર્બ્સ યાદીમાં ૨૨મું સ્થાન મળ્યું હતું. જાેકે, પરિવાર દ્વારા અત્યાર સુધી તેમના અવસાન અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.




