
૩ સદી ચૂકી જવા પર સંજૂ સેમસને કર્યો મોટો ખુલાસો મનમાં સદીનો વિચાર આવ્યો હતો પરંતુ ટીમ હિત સર્વોપરી સંજૂ સેમનસન પાસે ત્રણ વાર સદી ફટકારવાની તક હતી, પરંતુ તેણે વ્યક્તિગત સિદ્ધિની ચિંતા કરી નહીં
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસને T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની તોફાની બેટિંગ દ્વારા ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સેમસને માત્ર ૫ મેચમાં ૧૯૯.૩૭ના સ્ટ્રાઈક રેટ સાથે ૩૨૧ રન બનાવ્યા હતા. તેની પાસે ત્રણ વાર સદી ફટકારવાની તક હતી, પરંતુ તેણે વ્યક્તિગત સિદ્ધિની ચિંતા કરી નહીં.
સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે કરો યા મરો જેવી સુપર-૮ મેચમાં અણનમ ૯૭ રન, ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં ૮૯ રન અને ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં પણ ૮૯ રનનું યોગદાન આપ્યું હતું. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલા સેમસને જણાવ્યું કે, તેના મનમાં સદીનો વિચાર આવ્યો હતો પરંતુ ટીમ હિત તેના માટે સર્વોપરી હતું.
સેમસને ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં કહ્યું કે, “હું મારી ત્રણ સદીઓ વિશે વિચારું જે હું ચૂકી ગયો એવું લોકો કહે છે, ત્યારે મને લાગે છે કે ના યાર, તેનાથી ઘણું મોટું કામ થયું છે. મેં ખરેખર સારું યોગદાન આપ્યું છે. મને એવું જ લાગે છે. ડેફિનેટલી હું એવું નહીં કહું કે મને ૧૦૦ રનનો વિચાર જ નહોતો આવ્યો. એક માણસ તરીકે વિચાર આવી જ જાય કે એક સદી થઈ જાય તો મજા આવી જશે. હા, વિચાર આવ્યો હતો, પણ પછી મેં મારી જાતને કહ્યું, યાર રન અત્યાર સુધી કેવી રીતે બન્યા છે? જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે સદી વિશે નહોતું વિચાર્યું. એટલે મેં એ પ્રોસેસનું સન્માન કર્યું જે મને રન આપી રહી હતી અને હું બસ પ્લાન પર ટકી રહ્યો.”
સંજૂ સેમસને વધુમાં કહ્યું કે, “૮૦-૯૦ કોઈપણ હોય, ફોકસ માત્ર પ્રોસેસ પર રાખવાનું છે. અને પ્રોસેસ એ જ છે કે ટીમ પહેલા છે. એટલે દરેક ર્નિણય લેવામાં આવ્યો કે ભાઈ, અત્યારે ટીમને શું જરૂરિયાત છે.”
ભારતની જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની તે વાત પર ભાર મૂક્યો કે, ટીમમાં પર્સનલ માઈલસ્ટોન પાછળ રહી જાય છે. સેમસને પણ આ જ વાત દોહરાવી. તેમણે કહ્યું કે, “તેઓ (ગંભીર) સાચા છે. મને લાગે છે કે, અભિષેક શર્મા પણ મારી વાત સાથે સહમત હશે. આ સતત વાતચીતના પોઈન્ટ છે, જેને અમે ટીમ મિંટિંગમાં લખ્યા. શ્રીલંકા સિરીઝથી જ, જ્યાં સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ભાઈ ઈન્ડિયન ટીમના લીડર હતા, ત્યાંથી જ એ સ્પષ્ટ હતું કે, કોઈ પર્સનલ માઈલસ્ટોન હોવી જાેઈએ નહીં. તો આ પ્રકારે અમે બધાએ આ રીતે જ પોતાને ઢાળ્યા છે.”




