
આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જે મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટોને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આધુનિક ટેકનોલોજીથી આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજ રોજ મળતી ધમકી અટકી જાય. એટલી ધમકીઓ મળે છે “કોલેજો ઉડાવી દેવાની, શાળાઓ ઉડાવી દેવાની, હાઇકોર્ટમાં બૉમ્બ છે, સેશન્સ કોર્ટમાં બૉમ્બ છે”, તો આમાં અત્યાર સુધી કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી. તો ગુજરાત પોલીસ શું કરે છે? આજે તો ધમકી મળી કે વિધાનસભામાં બૉમ્બ છે, એટલે આજે અમને બધા ધારાસભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. ગૃહ વિભાગ અને ગૃહમંત્રીને વિનંતી છે કે મોટી મોટી વાતો કરવા કરતાં આવા ઈમેલ મોકલનાર લોકોને તાત્કાલિક પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે, જેથી એક મોટો દાખલો બેસે, જેથી બીજી વખત કોઈ આવો મેસેજ કરે નહીં.




