
ચાંદખેડામાં સાયબર ક્રાઈમની રેડ.કેનેડિયન નાગરિકોને ખંખેરતી ચાઈનીઝ કનેક્શનવાળી ગેંગ આખરે ઝડપાઈ.પોલીસે દરોડા પાડીને નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચાર પકડાયા, પરંતું મુખ્ય બે સૂત્રધાર ફરાર થયા.અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારીના નામે ડરાવી, તેમના બેંક એકાઉન્ટ જાેખમમાં હોવાનું કહી ડોલર પડાવતી આ ગેંગના ૪ સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ કૌભાંડના તાર ચાઈનીઝ ગેંગ અને અન્ય રાજ્યો સાથે પણ જાેડાયેલા છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવતની ધરપકડ કરી છે. જેઓ ન્યૂ ચાંદખેડાના સોપાન હાઇટ્સમાં ભાડાનું મકાન રાખી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા. આરોપીઓ આઈવીઆર (IVR) કોલ મારફતે કેનેડાના લોકોને ફોન કરતા અને પોતે કેનેડા રેવન્યુ એજન્સી ના અધિકારી હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવતા કે તેમનું ટેક્સ ફ્રી એકાઉન્ટ કોઈએ લૉગિન કર્યું છે અને તેમના ડોલર ચોરાઈ રહ્યા છે. વિશ્વાસ જીતવા માટે તેઓ ખોટી ડિજિટલ આઈડી પણ બતાવતા હતા.
આ વિશે માહિતી આપતા સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી હાર્દિક માંકડિયાએ જણાવ્યું કે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે ફાલ્ગુન પટેલ અને શિવાંગ ધાસમાના જેઓ હાલ ફરાર છે. ફાલ્ગુન અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તે માણસો હાયર કરી તેમને ટ્રેનિંગ આપતો હતો. આ ગેંગ અત્યંત શાતિર હતી, તેઓ પકડાઈ ન જાય તે માટે દર મહિને જગ્યા બદલી નાખતા હતા. ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સેન્ટરમાંથી રોજના ૨૦૦ કોલ થતા હતા, જેમાંથી ૫ લોકો શિકાર બનતા હતા. ટેલીકોલરને ૧૦૦ ડોલરની ઠગાઈ પર ૨ ડોલરનું ઇન્સેન્ટિવ આપી લાલચ આપવામાં આવતી હતી. સાથે જ ૨૦ હજાર રૂપિયા પગાર પણ આપવામાં આવતો હતો.
પૈસા પડાવવા માટે આરોપીઓ ત્રણ રસ્તા અપનાવતા હતા ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટો કરન્સી અને કેનેડાના મ્યુલ એકાઉન્ટ્સ. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, નાણાંની હેરફેર માટે તેઓ ચાઈનીઝ ગેંગનો ઉપયોગ કરતા હતા, જેમાં ૪૦ ટકા હિસ્સો ચાઈનીઝ ગેંગને મળતો હતો. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘટના સ્થળેથી ૬ લેપટોપ, ૫ મોબાઈલ અને સ્ક્રિપ્ટ સહિત ૧.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શિવાંગ પોતાના ઘરે બેસીને આ આખા ઓપરેશનને હેન્ડલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ હવે આ કેસમાં ચાઈનીઝ ગેંગના મૂળ સુધી પહોંચવા અને કેટલા ડોલરની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ તેજ કરી રહી છે.




