
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન(રાંદેર) ના પાલ ગામ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા એસ.આઈ દેવેન દેસાઈએ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ તેમની વોર્ડ ઓફિસમાં એક ટેમ્પો બોલાવીને સફાઈ કામદારો પાસે બોક્ષમાં ભરાવેલી જુની તૂટેલી મૂર્તિઓ,ફ્રેમ,ધાર્મિક ફોટા વિગેરે કોઈક દરિયા કિનારે લઈ ગયા હતા તેથી એસઆઇ સામે યોગ્ય તપાસ કરી તેની સામે પગલાં લેવા અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન ધ્વારા મ્યુ.કમિશનરને રાંદેર ઝોનના જાહેર આરોગ્ય નિરીક્ષક દેવેનભાઈ દેસાઈ વિરુદ્ધ નૈતિક ધોરણોથી વિરુદ્ધ, ગેરવર્તણૂક, પોતાને આપેલી સત્તાનો દુરુપયોગ કરીને પોતાના કાર્યક્ષેત્ર બહારની કામગીરી સુરત મહાનગરપાલિકાના વર્ગ-૪ સફાઈ કામદાર કર્મચારીઓ પાસે બળજબરીપૂર્વક ઈચ્છા કે સંમતિ વિરુદ્ધ, ધાકધમકી, દબાણ, કે શારીરિક બળનો ઉપયોગ કરી પ્રતિબંધિત કામગીરી કરાવી વર્ગ-૪ ના સફાઈ કામદાર કર્મચારીઓનો જીવ જોખમમાં નાંખનાર આ અધિકારીને બરતરફ (Dismissal) શિસ્તભંગના પગલા રૂપે ફરજિયાતપણે દૂર કરવાની લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.
એસઆઇની કામગીરીના ફોટા અને વિડિઓ વોટ્સએપ ઉપર વાયરલ થયેલ છે. તે જોતા ઘણા ગંભીર સવાલો ઉભા થવા પામેલ છે. જેમ કે ફોટાઓમાં સફાઈ કામદારો દરિયા કિનારે ટેમ્પામાંથી બોક્ષ ઉતારીને દરિયા કિનારે હોડીમાં લઈ જાય છે. જે હોડી કોઈ ખાનગી વ્યક્તિની જણાય છે. જે કદાચ ભાડેથી રોકવામાં આવેલ હતી. અને પ્રાપ્ત માહિતી મુજબ ૫૬૩૦ જેટલી ખંડિત મૂર્તિઓને હજીરાના દરિયામાં વિસર્જિત કરવામાં આવી હતી. જૂની મૂર્તિઓને સુરત મહાનગરપાલિકા ધ્વારા ભેગી કરવામાં આવે છે તે એક સારી વાત છે.પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે, શું મહાનગરપાલિકાએ આવી કામગીરીની કોઈ નીતિ નક્કી કરી છે? આ કામગીરી માટે S.I. દેવેન દેસાઈએ તેઓના કોઈ ઉપરી અધિકારીની મંજૂરી લીધેલ છે ? આ કામગીરી દરિયામાં સફાઈ કામદારો પાસે કરાવવામાં આવી રહી છે તે વખતે ફાયર બ્રિગેડની હોડી કે ફાયર બ્રિગેડના કોઈ કર્મચારીઓ નથી કે સલામતીનાં પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી. કદાચ દરિયામાં અકસ્માત થાય અને કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની ? બીજાના જીવનને જોખમમાં મૂકવું એ ભારતીય કાયદા (IPC, હવે BNS) હેઠળ ગંભીર ગુનો છે. આ જોતા SI દેવેન દેસાઈ એ જાતે નક્કી કરીને પોતાની વાહવાહી મેળવવા આ કામ કરેલ છે. તેઓના ઉપરી અધિકારીઓએ પણ આ ફોટા અને વીડિયો જોયા હશે, તો તેઓએ કોઈ પગલા લીધા કે નહીં ? જેથી આ ઘટનાની તાકીદે ગંભીરતાપૂર્વક તપાસ કરાવવા માટે અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનની માંગણી છે.
વધુમાં તપાસ દરમ્યાન SI દેવેન દેસાઈ દ્વારા દખલગીરી નહીં કરવામાં આવે તે માટે તેઓને તાત્કાલિક ધોરણે ફરજ માંથી બરતરફ કરવામાં આવે તેવી માંગણી છે.જો તેઓની માંગણી મુજબના પગલા નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં સફાઈ કામદારો પાસે આવી કામગીરી કરાવવામાં નહીં આવે તેની તમામ ખાતાઓએ નોંધ લેવા અને ચાલુ ફરજ દરમ્યાન કર્મચારીઓના આરોગ્યને નુકશાન થાય કે કામદારોના જીવને જોખમમાં મૂકીને કામગીરી નહીં કરાવવામાં આવે તેવી સૂચના આપવા માટે પણ મ્યુ.કમિશ્નરને લેખિત માંગણી કરેલ છે.




