
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી જે મુદ્દાઓ છે, તે ગરીબો, વંચિતો, શોષિતો અને આદિવાસી સમાજના છે, આ મુદ્દાઓ પર તેઓ સભાને સંબોધન કરવાના છે. છેલ્લા ત્રણ દિવસથી અમારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકો યોજાઈ છે. આ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે. જેમાં પહેલું લિસ્ટ છે, તે ટૂંક સમયમાં અમે ઉમેદવારોનું જાહેર કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતાની અલગ રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી ચાલતા, પરંતુ અમારી પોતાની રણનીતિથી આગળ વધીએ છીએ. અને સૌથી પહેલાં ઉમેદવારો જાહેર કરવાની દિશામાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. સ્ક્રિનિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ, બીજા તબક્કામાં પણ અનેક સીટો માટે ચર્ચા ચાલી રહી છે. અંદાજે 10 હજારથી વધુ સીટોને લઈને વિચારણા ચાલી રહી છે, જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ સંદર્ભે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે તેમજ અમારા પ્રદેશ નેતૃત્વ અને વિવિધ સમિતિઓ સાથે આ મુલાકાત દરમિયાન વિસ્તૃત બેઠક યોજાશે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત સામાન્ય નાગરિકોને તક આપવા માટે ખુલ્લી પ્રક્રિયા અપનાવી છે. ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી અનેક લોકો ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. આ એક નવી શરૂઆત છે, જેમાં કોઈ પણ સામાન્ય નાગરિક પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે આ પાર્ટીઓ વર્ષોથી “બાપ-બેટાની રાજનીતિ” કરે છે, જ્યારે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે અને દરેકને સમાન તક આપે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને પણ અપીલ કરી કે તેઓનો માત્ર ઉપયોગ થઇ રહ્યો છે, જ્યારે ભાજપ નેતાઓ પોતાના પરિવારજનોને આગળ ધપાવે છે. જો તેઓ બદલાવ ઈચ્છતા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, જ્યાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવશે. આમ આદમી પાર્ટી કોઈ ગઠબંધન વગર પોતાની શક્તિ પર ચૂંટણી લડશે. તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે, જે અંગે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે ચર્ચા કરવામાં આવશે.




