
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય ૧૬ જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર પ્રતિબંધ દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પ્રતિબંધ જાે તમે પણ નાની-મોટી બીમારીમાં મેડિકલ સ્ટોરમાંથી જાતે જ દવા લઈને ખાતા હોવ તો સાવધાન થઈ જજાે. કેન્દ્ર સરકારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક બહુ મોટો અને કડક ર્નિણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી દેશમાં વેચાતી ૧૬ જેટલી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવાઓમાં શરદી-તાવની એન્ટિબાયોટિક્સથી લઈને પેટના દુખાવા, કોસ્મેટિક્સ અને ડાયાબિટીસની જાણીતી દવાઓ પણ સામેલ છે. નિષ્ણાતોના મતે આ દવાઓ ખાવાથી દર્દીને કોઈ ખાસ ફાયદો થતો નથી અને તેના ઉપયોગ પાછળ કોઈ નક્કર તબીબી પુરાવા પણ મળ્યા નથી.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (ડ્ઢ્છમ્DTAB) અને નિષ્ણાતોની એક ખાસ કમિટી દ્વારા આ દવાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે બે કે તેથી વધુ ફોર્મ્યુલા ભેગી કરીને બનાવાયેલી આ ૧૬ દવાઓનો કોઈ જ તબીબી આધાર નથી. એટલે કે, આ દવાઓ દર્દીને સાજાે કરવામાં કેટલી અસરકારક છે તેના કોઈ સાચા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ ની કલમ 26A હેઠળ સરકારે આ કાર્યવાહી કરી છે.
તમને જણાવી દઈએ કે આ દવાઓની તપાસની પ્રક્રિયા વર્ષ ૨૦૨૧ માં જ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દવા બનાવતી ફાર્મા કંપનીઓને પોતાનો પક્ષ રાખવાની પૂરી તક પણ અપાઈ હતી. પરંતુ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ખુલાસા કે દલીલોથી નિષ્ણાતોની કમિટી સંતુષ્ટ થઈ ન હતી. આખરે લાંબા રિસર્ચ બાદ ડિસેમ્બર ૨૦૨૪ માં કમિટીએ આ તમામ ૧૬ દવાઓ પર કાયમી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી દીધી. પ્રતિબંધિત દવાઓના લિસ્ટમાં સૌથી વધુ એન્ટિબાયોટિક્સ છે. જેમ કે, એમોક્સિસિલિન + સેરેટિઓપેપ્ટિડેઝ, એમોક્સિસિલિન + સેરેટિઓપેપ્ટિડેઝ + લેક્ટોબેસિલસ સ્પોરોજેન્સ અને સેફ્યુરોક્સાઇમ + સેરેટિઓપેપ્ટિડેઝ જેવી દવાઓ પર રોક લગાવાઈ છે.
આ ઉપરાંત, પેટના દુખાવા અને આંચકી માટે અપાતી દવા (ડાયસાયક્લોમાઇન + પેરાસીટામોલ + ક્લિડીનિયમ બ્રોમાઇડ) નો પણ લિસ્ટમાં સમાવેશ થાય છે. એટલું જ નહીં, ડાયાબિટીસની સારવારમાં અપાતી એક દવા (ગ્લિક્લેઝાઇડ + ક્રોમિયમ પિકોલિનેટ) પણ હવે બજારમાં નહીં મળે, કારણ કે ડાયાબિટીસની કોઈ પણ મેડિકલ ગાઈડલાઈનમાં આ દવા વાપરવાની સલાહ આપવામાં આવતી નથી.
સરકારનું સ્પષ્ટ માનવું છે કે બજારમાં માત્ર એ જ દવાઓ વેચાવી જાેઈએ જે દર્દીઓ માટે સુરક્ષિત હોય અને જેની ખરેખર મેડિકલ જરૂરિયાત હોય. જે કોમ્બિનેશન દવાઓથી દર્દીને કોઈ જ ફાયદો થતો નથી અને ઉલટાનું સ્વાસ્થ્ય બગડવાનું જાેખમ રહેલું છે, તેને બજારમાં વેચવા દેવી યોગ્ય નથી. લોકો દવાઓનો સાચો અને સલામત ઉપયોગ કરે તે દિશામાં સરકારનું આ એક બહુ મોટું અને જરૂરી પગલું છે.



