
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે 24 માર્ચ 2026ના વિધાનસભા સત્રનો મહત્વનો દિવસ હતો. આજે મેં તારાંકિત પ્રશ્નના સ્વરૂપમાં વિધાનસભાના માધ્યમથી મંત્રીને એક મહત્વનો મુદ્દો પૂછ્યો હતો. ગુજરાતભરના ગામડાઓમાં ખેતર સુધી જવાના રસ્તાઓ અંગેના વિવાદો સતત વધી રહ્યા છે. ભાઈઓ વચ્ચે ભાગબટાવો થાય, જમીન સંપાદન થાય અથવા કેટલાક લોકો દાદાગીરી કરે તેના કારણે અનેક ખેડૂતોને પોતાના ખેતર સુધી જવાનો રસ્તો મળતો નથી. પરિણામે ઘણા ખેડૂતોના ખેતરો બિનખેતી રહે છે અથવા ડરતા ડરતા ખેતી કરવી પડે છે. કચેરીઓના ધક્કા ખાવા પડે છે, કાગળ ઉપર કાગળ અને તારીખ ઉપર તારીખ મળતી રહે છે, જેના કારણે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. ઘણા ગામડાઓમાં અમુક પાકની ખેતી બંધ થવાની સ્થિતિ આવી ગઈ છે. ઉદાહરણ તરીકે, ઘઉંની ખેતીમાં ઘટાડો થયો છે, કારણ કે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે અથવા દબાણ થઈ ગયું છે. જ્યારે ઘઉં પાકે છે ત્યારે બહારથી આવતા મશીનો ખેતર સુધી પહોંચી શકતા નથી, જેના કારણે ખેડૂતો ઘઉંની ખેતી ટાળી રહ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે હજારો ખેડૂતો રસ્તાની અને પાણીના વહેણની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. મામલતદાર કચેરીમાં અરજી કરવા છતાં યોગ્ય નિરાકરણ મળતું નથી. અરજી, એફિડેવિટ અને કાર્યવાહીનો ભાર વધતો જાય છે, પરંતુ ખેડૂતને ખેતર સુધી પહોંચવાનો રસ્તો મળતો નથી. મેં પ્રશ્ન કર્યો કે જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ખેતરના રસ્તા સંબંધિત કેટલી અરજીઓ મળી છે. સરકારના જવાબ મુજબ ભાવનગર જિલ્લામાં 48 અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં લગભગ 110 અરજીઓ મળી છે. ત્યારબાદ મેં પૂછ્યું કે તેમાં કેટલી અરજીઓ પડતર છે. સરકારના જવાબ મુજબ ઘણી અરજીઓ હજુ પણ વિવિધ સમયગાળાથી પડતર છે. ઘણા કેસોમાં અરજીઓનો નિકાલ થયો હોવા છતાં હકીકતમાં રસ્તા ખુલ્લા કરાયા નથી અને ખેડૂતો હજુ પણ તકલીફમાં છે. સરકાર તરફથી પૂરતી કામગીરી થતી નથી. મેં વિધાનસભામાં પ્રશ્ન નંબર 155 હેઠળ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ મને ચર્ચા માટે પૂરતો સમય મળ્યો નથી. તેથી મીડિયાના માધ્યમથી હું સરકારનું ધ્યાન દોરું છું કે ખેડૂતોને ખેતર સુધી જવા માટે ઓછામાં ઓછો 10 થી 12 ફૂટ પહોળો રસ્તો ફરજિયાત ઉપલબ્ધ થાય તે માટે સરકાર કાયદો બનાવે.




