
સરકારી લાભ માટેનો ખેલ પકડાયો.ગાંધીનગર-અમદાવાદમાં ૧૭૪ લોકો બોગસ ખેડૂત બની બેઠા.મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો કે, ગાંધીનગર જિલ્લામાં ૬૧ કેસોનો ગણોતધારા આધારે કેસોનો નિકાલ કરાયો છે.જમીન હડપ કરવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદાર બનવાનો સીલસીલો હજુય યથાવત રહ્યો છે. માત્ર પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં જ છેલ્લા બે વર્ષમાં ૧૭૪ જણાં બોગસ ખેડૂત ખાતેદાર બની બેઠાં હોવાનું સરકારે સ્વીકાર્યું છે.ભ્રષ્ટ સરકારી તંત્રને લીધે બોગસ દસ્તાવેજાે આધારે ખેડૂત ખાતેદાર બનવાના કૌભાંડ બહાર આવી રહ્યાં છે. પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરા પણ મળતા નામે દસ્તાવેજાે રજૂ કરીને ખોટા ખેડૂત બની બેઠાં છે ત્યારે આ વિવાદ છેક દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે વિધાનસભામાં સવાલ પૂછાતાં સરકારે એવો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં બોગસ ખેડૂતો મુદ્દે કુલ ૮૯ ફરિયાદો નોંધાઈ છે.
વટવામાં ૭, ઘાટલોડિયામાં ૫, વેજલપુરમાં ૪, સાબરમતીમાં ૨, દશક્રોઈમાં ૨૯, સાણંદમાં ૨૫, બાવળામાં ૩, વિરમગામમાં ૧૧, દેત્રોજમાં ૨ અને માંડલમાં ૧ બોગસ ખેડૂત ખાતેદાર મુદ્દે મહેસૂલ વિભાગને ફરિયાદ મળી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં ૪૧, કલોલમાં ૨૭, દહેગામમાં ૧૧ અને માણસામાં ૬ એમ કુલ મળીને ૮૫ ફરિયાદો થઈ હતી.
મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો કે, ગાંધીનગર જિલ્લામાં ૬૧ કેસોનો ગણોતધારા આધારે કેસોનો નિકાલ કરાયો છે જ્યારે હજુ ૨૪ કેસોની સુનાવણી ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ૨૮ કેસોનો નિકાલ કરાયો છે જ્યારે ૬૧ કેસોની સુનાવણી ચાલુ છે.




