
યશવંત વર્માએ રાષ્ટ્રપતિ મુર્મૂને રાજીનામું સોંપી દીધું અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. જસ્ટિસ યશવંત વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે માર્ચ ૨૦૨૫માં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આ દરમિયાન આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર ફાઈટર જવાનોને ત્યાંથી રૂ. રૂ.૫૦૦ની અડધી બળેલી નોટો મળી હતી, જેનું મૂલ્ય કરોડોમાં જતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના વખતે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે, આ નોટોનું મૂલ્ય રૂ. ૧૫ કરોડ જેટલું હતું. જાે કે, આ દાવાની હજુ સુધી ખરાઈ થઈ શકી નથી.
ઇન-હાઉસ ઈન્કવાયરી: સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ત્રણ જજની સમિતિએ તપાસમાં જસ્ટિસ વર્મા સામે પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું નોંધ્યું હતું. ટ્રાન્સફર: વિવાદ વધતા સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા એપ્રિલ ૨૦૨૫માં તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી હટાવીને તેમની પેરન્ટ કોર્ટ એટલે કે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી હતી. કામગીરી પર રોક: અલ્લાહાબાદ હાઈકોર્ટમાં જાેડાયા હોવા છતાં, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને કોઈ ન્યાયિક કામગીરી સોંપવામાં આવી નહોતી. જસ્ટિસ વર્માએ અગાઉ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સંસદના બંને ગૃહોમાં તેમને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જજ ઇન્કવાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે સ્વેચ્છાએ પદ છોડવાનો ર્નિણય લીધો છે.




