
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારત દેશ આજે ચારે બાજુના સંકટથી ઘેરાયેલો છે. એક બાજુ મોંઘવારી, બેકારી, ગુન્હાખોરી, બળાત્કારની ઘટનાઓ તો બીજી બાજુ માઝા મુકતી મોંઘવારી ખાદ્ય પદાર્થોના વધતા જતા ભાવોએ પ્રજાની કમર તોડી રહ્યા છે. ત્યારે ત્રીજી બાજુ ભ્રષ્ટાચાર અને ચૂંટણી પંચ ની મનમાની ભરી દાદાગીરી સામે વિપક્ષો હલ્લાબોલ વિરોધ આંદોલનમાં મસ્ત અને ચોથી બાજુ આપણા રાજા એટલે કે શાસકો ઉજવણી માં મસ્ત બની ને પોતાની જ વાહવાહી કરીને પ્રજાના પરસેવાના પૈસે પ્રજા ને જ પીડા આપી કોઈ અદ્રશ્ય આનંદ ની ઉજવણી માં મસ્ત બની ગયા છે. ત્યારે આ આકાશને આંબતી મોંઘવારીના કારણે પ્રજાની દિવાળી ફિક્કી પડશે તેવી ચેતવણી આર્થિક જાણકારો અને નિષ્ણાંતો આપી રહ્યા છે. આમ પણ નાયરા પેટ્રોલ વાળાએ ૧ લીટર પેટ્રોલ ઉપર રૂપિયા પાંચ અને ૧ લીટર
ડીઝલ ઉપર રૂપિયા ત્રણ નો વધારો કરી દેતા વાહન ચાલકો પણ હવે આ થયેલો વધારો અપનાવીને કામ પૂરતો જ ઉપયોગ વાહન નો કરી રહ્યા છે.
તો વળી કોમર્શિયલ ગેસ બોટલ ઉપર રૂપિયા ૬૨.૫૦ નો સીધો જ વધારો કરી દેતા ચા ની હોટલો અને ભોજનાલયો વાળાઓએ પણ નાનો-મોટો ભાવ વધારીને ગ્રાહકો ને રાબેતા મુજબ સેવા આપી રહ્યા છે. અને આટલું બાકી હતું તે બેન્કોએ લોન ઉપર વ્યાજ દરનો વધારો કરી સામી દિવાળીએ પ્રજા ને પડતા પર પાટું મારવા કંઈ બાકી રાખ્યું નથી.
આમ સામી દિવાળીએ આવતા તહેવારો પહેલાં જ માઝા મૂકતી મોંઘવારી ને કારણે રીટેલ ભાવોમાં પણ વધારો થતા ગરીબોની કસ્તુરી, આદુ, લસણ, લીંબુ વિગેરે ૩૬ ટકા જેટલા મોંઘા થઈ ગયા છે. આમ મોંઘવારી માં થયેલા વધારાથી લોકોનું જીવવું અઘરું થઈ પડયુ છે અને પ્રજાના પેટ ઉપર સરકાર મોંઘવારીરૂપી પાટુ મારી રહી છે.




