
ફાઈનલ વોટર લિસ્ટ જાહેર ઉત્તરપ્રદેશમાં SIR બાદ ૨ કરોડ મતદારોના નામ કપાયા નવી યાદી મુજબ ઉત્તર પ્રદેશમાં હવે કુલ મતદારોની સંખ્યા ૧૩,૩૯,૮૪,૭૯૨ થઈ ગઈ છે ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૧૬૬ દિવસથી ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(જીૈંઇ) પૂર્ણ થયા બાદ હવે રાજ્યનું ફાઈનલ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, નવી યાદી મુજબ ઉત્તર પ્રદેશમાં હવે કુલ મતદારોની સંખ્યા ૧૩,૩૯,૮૪,૭૯૨ થઈ ગઈ છે.
નવી યાદીમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે અગાઉની સરખામણીએ રાજ્યમાં મતદારોની સંખ્યામાં ૨.૦૫ કરોડનો ધરખમ ઘટાડો થયો છે. નોંધનીય છે કે ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ફ્રીઝ કરવામાં આવેલી યાદીમાં ૧૫.૪૪ કરોડ મતદારો હતા, જે આ પ્રક્રિયા બાદ ઘટીને ૧૩.૩૯ કરોડ થઈ ગયા છે. જાેકે, ૬ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ યાદીની સરખામણીમાં અંતિમ યાદીમાં ૮૪.૨૮ લાખ નવા મતદારોનો ઉમેરો પણ થયો છે. રાજ્યની કુલ મતદાર યાદીમાં પુરુષોનું વર્ચસ્વ જાેવા મળ્યું છે. કુલ મતદારોમાંથી ૫૪.૫૪% પુરુષો છે, જ્યારે ૪૫.૪૬% મહિલા મતદારો છે.
આંકડાકીય રીતે જાેઈએ તો:
પુરુષ મતદારો: ૭,૩૦,૭૧,૦૬૧
મહિલા મતદારો: ૬,૦૯,૦૯,૫૨૫
થર્ડ જેન્ડર: ૪,૨૦૬
૧૮થી ૧૯ વર્ષના યુવા મતદારો: ૧૭,૬૩,૩૬૦
અંતિમ મતદાર યાદી મુજબ ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પ્રયાગરાજ ૩,૨૯,૪૨૧ નવા મતદારો સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ લખનઉમાં ૨,૮૫,૯૬૧, બરેલીમાં ૨,૫૭,૯૨૦, ગાઝિયાબાદમાં ૨,૪૩,૬૬૬ અને જૌનપુરમાં ૨,૩૭,૫૯૦ મતદારોનો વધારો થયો છે.
આ પ્રક્રિયા દરમિયાન અંદાજે ૨.૨૨ કરોડ લોકો તાર્કિક વિસંગતતા ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ૧.૦૪ કરોડ લોકો એવા હતા જેમનું નામ તેમના માતા-પિતા કે વાલીઓ સાથે મેચ થતું ન હોવાથી તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. જે લોકોના નામ હાલની યાદીમાં રહી ગયા છે, તેઓ હજુ પણ ફોર્મ-૬ ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે.




