
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતીય લોકશાહીમાં સૌથી મૂળભૂત જવાબદારી પધ્ધતિ એ છે કે નાગરિકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને તેમના કાર્યકાળના અંત પહેલા દૂર કરવાનો અધિકાર છે. પરંતુ આ મૂળભૂત જવાબદારીની પધ્ધતિ ખોવાઈ ગઈ છે. હાલમાં ઘણા ચૂંટાયેલા સાંસદ, ચૂંટણીના દિવસોમાં આપેલા તેમના વચનોથી વિરુધ્ધ કાર્ય કરતાં હોય છે. ઉપરાંત જે પક્ષની વિરુધ્ધમાં હતા તે પક્ષની સરકારને ટેકો આપતા હોય છે. ક્યારેક તેમના મતદારોને નુકશાન પહોંચાડતા બિલોને પણ સમર્થન આપતા હોય છે. ક્યારેક અથવા મોટેભાગે તેમના મતવિસ્તારમાંથી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જતાં હોય છે. આમ છતાં પાંચ વર્ષ સુધી અથવા આગામી ચૂંટણી સુધી કોઈ તેમણે કંઈ કશું કહી શકતું પણ નથી.
યુનાઈટેડ સ્ટેટસમાં રાજય સ્તરે,સ્વિટઝર્લેંન્ડમાં , લેટિન અમેરિકાના કેટલાક ભાગોમાં વિવિધ સ્વરૂપોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાછા બોલાવી લેવાનો અધિકાર પ્રચલિત છે. જો તેમણે ચૂંટેલા પ્રતિનિધિ તેમની મૂળભૂત શરતો પૂરી કરવામાં નિષ્ફળ જાય તો તે મતવિસ્તારમાં મતદારોની ચોક્કસ ટકાવારી નવી ચૂંટણીઓ યોજવાની મંજૂરી મળે છે. આ રાજકીય વર્ગ માટે એકબીજા સામે શસ્ત્ર ઊભું કરવાની પધ્ધતિ નથી. ટકાવારીની મર્યાદા અને પ્રક્રિયાગત સલામતી તેવી પધ્ધતિને અટકાવે છે. તે નાગરિકો માટે સતત સાર્વ ભૌમત્વનો ઉપયોગ કરવાની પધ્ધતિ છે. તે માત્ર સમયાંતરે મતાધિકારનો ઉપયોગ કરવાની નથી.
ભારતના ઘણા રાજયોમાં પંચાયતી રાજ સંસ્થાઓમા પહેલાથી જ ચૂંટાયેલા પંચાયત નેતાઓને પાછા બોલાવી લેવાની જોગવાઈઓ છે. આ જોગવાઈઓ ધારાસભ્યો અને સાંસદો સુધી આ લાગુ ન કરી શકાય તેનું કોઈ સૈધ્ધાંતિક કારણ નથી. જે લોકશાહી પોતાના નાગરિકોના જીવનને આકાર આપતા મુખ્ય નિર્ણયો લઈ શકતી નથી,ત્યાં ફકત નામ પૂરતી જ લોકશાહી છે.



