
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પવનપુત્ર હનુમાનના જન્મસ્થળ માનવામાં આવતા પ્રખ્યાત અંજનાદ્રી હિલ મંદિરમાં આપવામાં આવેલા દાનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. કારણકે સત્તાવાર ચકાસણી દરમિયાન ૨.૫ કરોડ રૂપિયાના સોનાના દાગીના સોનાથી ઢંકાયેલા તાંબાના દાગીના હોવાનું જાણવા મળ્યું હતું.
હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ મહેશ રેડ્ડીએ ૮ મે ના રોજ મંદિરમાં સુશોભન મુગટની કમાન,ચક્ર અને ગદાનું દાન કર્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઉદ્યોગપતિ ગંગાવતીના ધારાસભ્ય ગલી જનાર્દન રેડ્ડી સાથે મંદિરની મુલાકાતે ગયા હતા. જેમણે જાહેરમાં જણાવ્યુ હતું કે, તેમના નજીકના સહયોગીએ દેવતાને લગભગ ૨.૫ કરોડ રૂપિયાના સોનાના આભૂષણો દાનમાં આપ્યા હતા.
જોકે સરકારી તિજોરીમાં સત્તાવાર રીતે દાગીના સ્વીકારતા પહેલા જિલ્લા અધિકારીઓએ ફરજિયાત ચકાસણી પ્રક્રિયા હાથ ધરી હતી. સહાયક કમિશ્નર મહેશ માલાગિટીની આગેવાની હેઠળનો નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ જાણ કરી હતી કે દાગીનામાં ફકત ૨૮ ગ્રામ વાસ્તવિક સોનું હતું. બાકીના ભાગો કથિત રીતે સોના ના ઢોળથી કોતરેલા તાંબાના બનેલા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉધોગપતિએ આભૂષણો માટે સતાવાર ખરીદી બિલ અથવા પ્રમાણિકતા દસ્તાવેજો પણ પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દાતાની વિનંતી પર આભૂષણોનો ઉપયોગ ફકત બે દિવસ માટે જ દેવતાના શણગાર માટે કરવામાં આવ્યો હતો.
આ ખુલાસા બાદ જિલ્લાના વહીવટીતંત્રએ મહેશ રેડ્ડીને નોટિસ જારી કરીને તેમને માન્ય ઈન્વોઈસ અને આભૂષણોની વાસ્તવિક કિંમત અંગેની વિગતો રજૂ કરવા જણાવ્યુ છે. અધિકારીઓએ યોગ્ય દસ્તાવેજો રજૂ ન થાય ત્યાં સુધી દાનમાં આપેલી વસ્તુઓ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો પણ ઇન્કાર કર્યો છે. આ ઘટનાએ ભકતો અને સ્થાનિકોમાં વ્યાપક ચર્ચા જગાવી છે. ધાર્મિક દાનના નામે પ્રસિધ્ધિ મેળવવાના ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંદિરની પવિત્રતાનું રક્ષણ કરવું અને દાનમાં પારદર્શિતા
જાળવવી એ પ્રાથમિકતા છે.



