
આખી ફ્લાઇટમાં મચ્યો હડકંપ “મને ભૂત વળગ્યું છે” કહીને યુવકે ૨ વખત ઇમરજન્સી દરવાજાે ખોલવાનો કર્યો પ્રયાસ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,અમારી તપાસ ચાલુ છે અને આરોપીની હજુ પૂછપરછ કરવામાં આવી રહી છે શનિવારની રાત્રે વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક એવી ઘટના બની હતી, જેના કારણે આખી ફ્લાઇટમાં ખળભળાટ મચી ગયો હતો. ખરેખર, બેંગ્લોરથી વારાણસી જતી ફ્લાઇટ ૬ઈ-૧૮૫માં મોહમ્મદ અદનાન નામના પેસેન્જરે બે વખત ઇમરજન્સી એક્ઝિટ દરવાજાને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વખત વિમાને ઉડાન ભર્યાના માત્ર ૧૫ મિનિટ બાદ અને બીજી વખત લેન્ડિંગના થોડા જ સમય પહેલાં, જ્યારે વિમાન માત્ર ૫૦૦ ફૂટની ઊંચાઈએ હતું. આ ઘટનાથી આખા વિમાનમાં હડકંપ મચી ગયો હતો. જાેકે, કેબિન ક્રૂ અને પાઇલટની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ફ્લાઇટ સાંજે આશરે ૮:૧૫ વાગ્યે બેંગ્લોરથી ઉપડી હતી. ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાનો રહેવાસી મોહમ્મદ અદનાન ગોવાથી પરત ફરી રહ્યો હતો. ફ્લાઇટે ઉડાન ભર્યા પછી તેણે ઈમરજન્સી દરવાજા સાથે છડેછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, કેબિન ક્રૂએ તરત જ તેને અટકાવ્યો અને તેને કહ્યું કે આવું ક્યારેય ન કરવું જાેઈએ. અદનાને સામાન્ય વર્તન કરવાનું શરૂ કર્યું અને ફ્લાઇટ આગળ વધી. પરંતુ જ્યારે વિમાન વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ માટે તૈયાર થઈ રહ્યું હતું, ત્યારે રાત્રે ૧૦:૨૦ વાગ્યે અદનાને ફરી એક વાર ઇમરજન્સી એક્ઝિટનું હેન્ડલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ક્રૂના ઈમરજન્સી એલર્ટ પર પાઇલોટે તરત જ લેન્ડિંગ અટકાવીને ગો-અરાઉન્ડ (ફરીથી ઉપર ઊડવું) કર્યું. વિમાને ૧૦:૩૫ વાગ્યે સલામત રીતે લેન્ડિંગ કર્યું.
આખી ઘટનાથી પેસેન્જર્સ ભયભીત થઈ ગયા હતા, પરંતુ ક્રૂ અને પાઇલોટની સૂઝબૂઝના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે, તમામ પેસેન્જર્સે ક્રૂને આભાર માન્યો અને સલામત લેન્ડિંગ માટે તેમની પ્રશંસા કરી.
એરપોર્ટ પર ઉતરતા જ અદનાનને એરલાઇન સિક્યુરિટી અને સીઆઇએસએફના હવાલે કરવામાં આવ્યો. પોલીસને જાણ કરવામાં આવી અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન અદનાને પહેલા તો કહ્યું કે તેને ખબર જ નથી કે તેણે આવું કેમ કર્યું. પછી તેણે ચોંકાવનારો દાવો કર્યો કે, “મને ભૂત વળગ્યું છે.” પોલીસ સ્ટેશનમાં વધુ પૂછપરછમાં તેણે કહ્યું કે, તે ગોવાની પરત આવી રહ્યો હતો અને તેને ખબર નહોતી કે જે હેન્ડલ તે ખેંચી રહ્યો હતો, તે ઇમરજન્સી એક્ઝિટનું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમારી તપાસ ચાલુ છે અને આરોપીની હજુ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના પરિવારને મઉથી વારાણસી આવવા માટે જાણ કરવામાં આવી છે.”
આ ઘટના એક વાર ફરી એવું સાબિત કરે છે કે વિમાનમાં મુસાફરી દરમિયાન સુરક્ષા પ્રોટોકોલ કેટલા મહત્વના છે અને ક્રૂની સતર્કતા કેટલી જીવનરક્ષક સાબિત થઈ શકે છે. અત્યારે આરોપીની તપાસ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે.




