
રાજ્ય પોલીસ વડાનો મોટો ર્નિણય પેટ્રોલ-ડીઝલ બચાવવા પોલીસ મીટિંગો પણ ઓનલાઈન થશે જેલમાંથી આરોપીઓને કોર્ટમાં રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવે
વધતા જતા ઈંધણના ભાવ અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય ર્નિણય લીધો છે. રાજ્ય પોલીસ વડા ડૉ કે એલ એન રાવ દ્વારા હવે પોલીસ વિભાગમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસના વાહનોનો બિનજરૂરી વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે, હવેથી કોર્ટની મોટાભાગની કાર્યવાહી ઓનલાઈન કરવાનો પ્રયાસ કરવામાં આવે. ખાસ કરીને જેલમાંથી આરોપીઓને કોર્ટમાં રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવે, જેથી પોલીસ વાહનોના ઈંધણ અને સુરક્ષા વ્યવસ્થાના ખર્ચમાં ઘટાડો કરી શકાય.
માત્ર કોર્ટ કાર્યવાહી જ નહીં, પરંતુ પોલીસ વિભાગની આંતરિક કામગીરીમાં પણ મોટો ફેરફાર જાેવા મળશે. હવેથી વિભાગીય સ્તરે યોજાતી મોટાભાગની મીટિંગો રૂબરૂ મળવાને બદલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ ર્નિણયથી અધિકારીઓએ એક શહેરથી બીજા શહેર પ્રવાસ કરવાની જરૂર નહીં પડે અને સમયની સાથે ઈંધણની પણ મોટી બચત થશે.
પોલીસ વિભાગના આ ર્નિણયથી સરકારી તિજાેરી પર પડતો ઈંધણનો બોજ ઓછો થશે. આ સાથે જ, આરોપીઓને લાવવા-લઈ જવા દરમિયાન ઉભા થતા સુરક્ષાના જાેખમો પણ ઘટશે. રાજ્ય પોલીસ વડાએ આ નવી વ્યવસ્થાનો ચુસ્તપણે અમલ કરવા માટે તમામ જિલ્લા વડાઓને તાકીદ કરી છે.



