
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં આજે એવો સમય ચાલી રહ્યો છે કે “ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર” નું સૂત્ર હવે ભ્રષ્ટાચારીઓના કોઠે પડી ગયું છે. અને એને લઈ સામેના નું જે થવાનું હોય એ થાય મારૂ તરભાણું ભરાવું જોઈએ એવી મેલી મથરાવટીને કારણે શિક્ષણ જગતમાં ઉધઈની માફક ફેલાઈ રહેલા શિક્ષણ માફિયાઓ હવે આખે આખા પરીક્ષાના પેપરો જ હાઈજેક કરી લેતા દેશના લાખો યુવાનોની જિંદગીને જ બરબાદ કરી રહ્યા છે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું તો નહીં જ કહેવાય.
કારણ NEET-UG પરીક્ષા રદ થવાથી એના જે ગંભીર પરિણામો આવ્યા છે એને લઈ કેટલા યુવાનોએ કરેલી આત્મહત્યાઓએ શિક્ષણ જગતની સૌથી મોટી શરમજનક ઘટના કહેવાય અને છતાંય કોઈના પેટનું પાણી પણ ના હાલે એ આ દેશના બેશરમ રાજનેતાઓ માટે સૌથી મોટી બેશરમી સિવાય કંઈ નથી. જેવી NEET-૨૦૨૬ ની પરીક્ષા રદ થયાના સમાચારોના થોડા દિવસો પછી એટલે કે શુક્રવારે રાજસ્થાનના સીકરમાં ૨૩ વર્ષીય NEET ના ઉમેદવાર પ્રદીપ મહિચે સીકરના જલધારીનગર વિસ્તારમાં પિપરાલી રોડ પર તેના ભાડાના મકાનમાં છતના પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. મૂળ ઝુન ઝુન જિલ્લાના એક ગામનો રહેવાસી, પ્રદીપ છેલ્લા ત્રણ વર્ષથી સીકરમાં NEETની તૈયારી કરી રહ્યો હતો.જેનો હવે અંત આવ્યો હતો. અન્ય કિસ્સામાં લખીમપુર ખેરીના ૨૧ વર્ષીય વિદ્યાર્થી રિતિક મિશ્રાએ ગુરુવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી, તેમના પરિવારે જણાવ્યુ હતુંકે પેપર લીક થવાના કારણે NEET-UG પરીક્ષા રદ થવાથી તે દુ:ખી હતો અને અંતે જીવન ટૂંકાવી દીધુ.
આમ પરીક્ષાની ગેરરીતિઓના કારણે દેશનું આશાસ્પદ યુવાધન પોતાનું જીવન ટૂંકાવી રહ્યું હોવા છતાં સરકારી તંત્ર દરેક સમયે તપાસમાં નિષ્ફળ જ રહેતું હોવાથી “વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૬ સુધીમાં ૧૪૮ પેપર કૌભાંડો થયા અને ૮૭ પરીક્ષાઓ રદ કરવામાં આવી અને નવ કરોડ બાળકોના ભવિષ્યને અસર થઈ.” જ્યારે ૧૪૮ કૌભાંડો માંથી ફક્ત ૧ માં સજા થઈ. CBI એ ૧૭ કેસ લીધા, ED એ ૧૧ કેસ કર્યા કોઈને સજા થઈ નહીં કે કોઈ જવાબદાર મંત્રીએ રાજીનામું આપી ઈમાનદારી બતાવી હોય? મેરા ભારત મહાન.



