
ત્રીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં લેશે ભાગ PM મોદી પહોંચ્યા નોર્વે; વડાપ્રધાન જાેનાસ ગાહરે કર્યું ખાસ સ્વાગત ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત : નોર્વેમાં પીએમ મોદી પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ચાર દેશોના પ્રવાસ પર છે. સોમવારે (૧૮ મે) તેઓ સ્વીડનથી નોર્વે પહોંચ્યા છે. ઓસ્લો હવાઈ મથક પર નોર્વેના પ્રધાનમંત્રી જાેનાસ ગાહર સ્ટોરે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીનો આ પહેલો નોર્વે પ્રવાસ છે. સાથે જ, આ ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો પણ નોર્વેનો પહેલો પ્રવાસ છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, મને વિશ્વાસ છે કે આ યાત્રા ભારત-નોર્વેની મિત્રતામાં નવો જાેશ ભરશે. ઓસ્લોમાં જે હોટલમાં વડાપ્રધાન મોદી રોકાયા છે, ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભારતીય મૂળના લોકોએ સંગીત અને સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કરી ભારતીય પરંપરાની ઝલક બતાવી હતી. વડાપ્રધાને પણ ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને તેમની સાથે મુલાકાત કરી હતી.
પોતાની બે દિવસીય નોર્વે યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી નોર્વેના સમ્રાટ હેરાલ્ડ પંચમ અને સામ્રાજ્ઞી સોનજા સાથે મુલાકાત કરશે. આ સિવાય તેઓ પ્રધાનમંત્રી જાેનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ કરશે. બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને આર્થિક સહયોગને વધુ મજબૂત કરવાના ઉપાયો પર પણ વાતચીત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (૧૯ મે) ઓસ્લોમાં આયોજિત ત્રીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, આ નોર્ડિક દેશોના નેતાઓ સાથે મુલાકાતની એક મહત્વપૂર્ણ તક હશે. આ સંમેલનમાં નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના પ્રધાનમંત્રી પણ સામેલ થશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ સંમેલન એપ્રિલ ૨૦૧૮માં સ્ટોકહોમ અને મે ૨૦૨૨માં કોપનહેગનમાં આયોજિત પાછલા સંમેલનોની કડીને આગળ વધારશે અને ભારત-નોર્ડિક સંબંધોને નવી વ્યૂહાત્મક દિશા આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત-નોર્વે વેપાર અને સંશોધન સંમેલનને પણ સંબોધિત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ યાત્રા બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ગતિ આપવાની તક આપશે. વર્ષ ૨૦૨૪માં ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ ૨.૭૩ અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યો છે.



