
સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે સારી તક સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ૬,૦૦૦ સસ્તી થઈ સોનાના ભાવમાં પણ આશરે ૨,૦૦૦નો ઘટાડો નોંધાયો
સપ્તાહની શરૂઆતમાં જ કોમોડિટી માર્કેટમાં મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. સોમવારે સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ રોકાણકારો અને ખરીદદારો બંનેનું ધ્યાન ખેંચ્યું છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.૬,૦૦૦થી વધુનું ગાબડું પડ્યું છે, જ્યારે સોનાના ભાવમાં પણ આશરે રૂ.૨,૦૦૦નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારનું દબાણ, અમેરિકાના મજબૂત રોજગાર ડેટા અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે આ કડાકો બોલ્યો હોવાનું માનવામાં આવે છે. ઘરેણાં કે રોકાણના હેતુથી સોનું ખરીદવા માંગતા લોકો માટે આ ઘટાડો એક સારા સમાચાર સમાન છે.
સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ ઘટીને આશરે રૂ.૧.૫૪ લાખની આસપાસ પહોંચી ગયો હતો, જે તેના છેલ્લા ટ્રેડિંગ સેશન કરતાં લગભગ રૂ.૨,૦૦૦ ઓછો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ જંગી ઘટાડો જાેવા મળ્યો છે અને તે રૂ.૨.૪૧ લાખ પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારની નબળાઈ અને રોકાણકારોની બદલાતી રણનીતિની સીધી અસર આપણા સ્થાનિક બજાર પર જાેવા મળી રહી છે.
વૈશ્વિક બજારમાં પણ સતત બીજા દિવસે સોનાના ભાવમાં દબાણ જાેવા મળ્યું છે. હાજર સોનાનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ $4,321 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવમાં અગાઉ પણ મોટો ઘટાડો જાેવા મળ્યો હતો, જેના કારણે તે ઘણા અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. આ ઉપરાંત, યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં પણ નબળાઈ દેખાતા બજારમાં રોકાણકારોનો વિશ્વાસ થોડો ડગમગ્યો છે. સોના-ચાંદીના ભાવમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળ મુખ્યત્વે ૩ કારણો જવાબદાર છે:
૧. અમેરિકાના મજબૂત રોજગાર ડેટા: અમેરિકામાં રોજગારીના આંકડાઓમાં સુધારો જાેવા મળ્યો છે, જેનાથી બજારનો મૂડ બદલાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ લાંબા સમય સુધી વ્યાજ દરો ઊંચા રાખી શકે છે. સામાન્ય રીતે, જ્યારે વ્યાજ દરો ઊંચા હોય ત્યારે સોના જેવી એસેટ્સ (જેના પર કોઈ વ્યાજ નથી મળતું) તેની માંગ બજારમાં ઘટી જાય છે.
૨. રોકાણકારોનો બદલાતો ટ્રેન્ડ: વ્યાજ દરો વધવાના ડરથી રોકાણકારો અત્યારે સોના-ચાંદી જેવા સેફ-હેવન (સુરક્ષિત) વિકલ્પો છોડીને અન્ય જગ્યાએ રોકાણ કરવા તરફ વળ્યા છે. રોકાણકારોના આ બદલાયેલા વલણની સીધી અસર ભાવ પર પડી છે.
૩. ક્રૂડ ઓઈલ અને મોંઘવારીની ચિંતા: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ સતત વધી રહ્યા છે. આનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની શક્યતા ઊભી થઈ છે, જેને કંટ્રોલ કરવા માટે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો પોતાની નાણાકીય નીતિઓ વધુ કડક બનાવી શકે છે. આ ડર પણ સોનાના ભાવને નીચે લાવી રહ્યો છે.



