
૫ દિવસમાં રૂ.૧૧ હજારનો કડાકો ઓલટાઇમ હાઈથી રૂપિયા ૧.૯૪ લાખ સસ્તી થઈ ચાંદી ૨૪ કેરેટ સોનું પણ રૂપિયા ૩૦૦૦થી વધુ ઘટ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત કડાકો જાેવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)થી લઈને સ્થાનિક ઘરેલુ બજાર સુધી ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી વાયદા કારોબારમાં ૯૦૦૦ રૂપિયાથી વધુ અને ઘેરલુ બજારમાં ૧૧,૦૦૦ રૂપિયાથી વધુ ઘટી ગઈ છે, જેના કારણે તે તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી આશરે ૧.૯૪ લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. આ સાથે જ ૨૪ કેરેટ સોનાના ભાવમાં પણ જાેરદાર ઘટાડો થયો છે.
MCX પર વાયદા કારોબારની વાત કરીએ તો, ૪ ડિસેમ્બરની એક્સપાયરી વાળી ૧ કિલો ચાંદી ૨૫ સપ્ટેમ્બરે, ૨,૩૪,૬૯૬ રૂપિયા પર બંધ થઈ હતી, જે ગત શુક્રવારે ઘટીને ૨,૨૫,૫૪૫ રૂપિયા પર આવી ગઈ છે. આમ, માત્ર પાંચ જ દિવસમાં આ કિંમતી ધાતુ ૯૧૫૧ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. આ વર્ષના જાન્યુઆરીના આખરી અઠવાડિયામાં ચાંદીનો વાયદો ૪,૨૦,૦૪૮ રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો, જેની સરખામણીએ હવે ચાંદી ૧,૯૪,૫૦૩ રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળી રહી છે. સ્થાનિક ઘરેલુ બજારમાં પણ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા મુજબ ચાંદીનો ભાવ ૨,૩૨,૩૫૦ રૂપિયાથી ૧૧,૫૨૧ રૂપિયા ઘટીને ૨,૨૦,૮૨૯ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ચાંદીની સાથે સોનાની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. એમસીએક્સ પર ૪ ડિસેમ્બરની એક્સપાયરી વાળું ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનું ૨૫ સપ્ટેમ્બરના ૧,૫૩,૨૭૭ રૂપિયાથી ઘટીને શુક્રવારે ૧,૫૦,૨૫૦ રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે MCXગોલ્ડ રેટમાં ૩૦૨૭ રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરેલુ બજારની વાત કરીએ તો પાંચ દિવસમાં સોનાની કિંમત ૧,૫૨,૧૧૩ રૂપિયાથી ઘટીને ૧,૪૮,૧૩૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગઈ છે, જેનાથી સોનું ૩૯૭૫ રૂપિયા સસ્તું થયું છે. ઉલ્લેખનીય છે કે આઈબીજેએ દ્વારા જાહેર થતા ભાવ સમગ્ર દેશમાં એક સમાન રહે છે, પરંતુ ઝવેરીની દુકાનમાંથી દાગીના ખરીદતી વખતે ૩ ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડે છે.




