
અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ર્નિમલા સીતારમણની સ્પષ્ટ વાત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત હજુ ચાલી રહી છે બંને દેશો હવે એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં આગળ વધુ મોટી છૂટ આપવી કે લેવી ખૂબ મુશ્કેલ બની શકે છે
નવી દિલ્હીમાં યોજાયેલી મ્યુનિક લીડર્સ મીટિંગમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંગે મહત્વની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે કરારને લઈને અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે અને બંને પક્ષોએ પોતાની-પોતાની વાત રજૂ કરી છે.
આવી સ્થિતિમાં હવે આગળ કોઈ મોટી છૂટ આપવી સરળ નહીં હોય. જાેકે, પ્રસ્તાવિત ટ્રેડ એગ્રીમેન્ટ હજુ અંતિમ સ્વરૂપમાં આવ્યું નથી. સીતારમણે આ વાતચીતને મુશ્કેલ અને લાંબી ગણાવી હતી અને કહ્યું હતું કે બંને દેશોએ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. હાલમાં બંને પક્ષો એવો રસ્તો શોધી રહ્યા છે જેના આધારે કરાર પર સહમતિ બની શકે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો હજુ ચાલુ છે. સીતારમણના જણાવ્યા પ્રમાણે બંને દેશો હવે વાતચીતના એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં આગળ વધુ કંઈ આપવું કે લેવું ખૂબ મુશ્કેલ બની શકે છે. જાેકે, બંને પક્ષો કરાર માટે રહેલી શક્યતાઓ પર હજુ ચર્ચા કરી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો ટ્રેડ બેલેન્સ હાલમાં ભારતના પક્ષમાં છે. અમેરિકા પોતાનું ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માંગે છે અને ભારત પાસેથી કેટલીક વધુ છૂટની અપેક્ષા રાખે છે.
ભારત અને અમેરિકા વચ્ચેની હાલની વાતચીત ફેબ્રુઆરી ૨૦૨૬માં નક્કી કરવામાં આવેલા પ્રારંભિક ટ્રેડ એગ્રીમેન્ટ ફ્રેમવર્ક પર આધારિત છે.
બંને દેશોએ તે સમયે ડીલને આગળ વધારવા અને મોટા વેપાર કરાર અંગે વાતચીત ચાલુ રાખવા પર સહમતિ દર્શાવી હતી. આ પ્રક્રિયાની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત બાદ થઈ હતી. હાલની વાટાઘાટોમાં ટેરિફ, માર્કેટ એક્સેસ અને અન્ય વેપાર સંબંધિત મુદ્દાઓ મહત્વના છે.
આ ફ્રેમવર્કમાં ટેરિફ ઘટાડવા, વેપાર સાથે જાેડાયેલા અવરોધો ઘટાડવા અને એકબીજાના બજારમાં વધુ સારી પહોંચ આપવાના મુદ્દાઓ સામેલ છે. સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાના મુદ્દા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગળ ડિજિટલ ટ્રેડ અને માર્કેટ એક્સેસ સાથે જાેડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત થવાની છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપારમાં હાલમાં ભારતને સરપ્લસ છે. એપ્રિલથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન અમેરિકામાં ભારતની નિકાસ ૩૪.૫ અબજ ડોલર રહી હતી, જ્યારે અમેરિકાથી ભારતે ૨૨.૧૨ અબજ ડોલરની આયાત કરી હતી. આ રીતે ભારતનો માલ વેપાર સરપ્લસ આશરે ૧૨.૪ અબજ ડોલર રહ્યો હતો.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટે ટેરિફના વધતા ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અગાઉ ટેરિફનો ઉપયોગ વેપાર વાટાઘાટો દરમિયાન એક સાધન તરીકે કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ દબાણ બનાવવાના માધ્યમ તરીકે વધુ થતો જાેવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે હાલની વેપાર વ્યવસ્થા હોવા છતાં ટેરિફમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.




