
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં વેચાતી દવાઓની ગુણવત્તા અને દર્દીની સલામતીની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ સહિતના સીરપના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. આ પગલાનો હેતુ કફ સીરપ સહિત સીરપ આધારિત ફોર્મ્યુલેશનને કારણે નિયમનકારી દેખરેખ હેઠળ લાવવાનો છે. આ સુધારાને સત્તાવાર ગેઝેટ માં પ્રકાશિત ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો 2026 દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે. આ સુધારો તેના પ્રકાશનની તારીખથી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર ડ્રગ્સ રૂલ્સ,1945 ના શેડયૂલ K ના “ક્લાસ ઓફ ડ્રગ્સ” કોલમમાં આઈટમ ૭ માંથી “સીરપ” શબ્દને બાકાત રાખવામાં આવ્યો છે. શેડયૂલ K દવાઓની એ શ્રેણીઓનો ઉલ્લેખ કરે છે જે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ અને નિયમો હેઠળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ સંબંધિત ચોક્કસ જોગવાઈઓથી મુક્ત છે જે નિર્ધારિત શરતોને આધીન છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકાર દ્વારા જારી કરાયેલ ડ્રાફટ નોટિફિકેશન ને અનુસરીને આ પગલું લેવામાં આવ્યું હતું. જેમાં હિસ્સેદારો પાસેથી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે દવાઓ સંબંધિત ટેકનિકલ બાબતો પર દેશની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા ,ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB) સાથે પરામર્શ કર્યા પછી સુધારાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા જનતા તરફથી મળેલી ટિપ્પણીઓ પર વિચારણા કરવામાં આવી હતી. ઘણા દેશોમાં દુષણ સંબંધિત બાળકોના મૃત્યુના અહેવાલો પછી તાજેતરના વર્ષોમાં કફ સીરપ અને અન્ય પ્રવાહી મૌખિક ફોર્મ્યુલેશનની નિયમનકારી ચકાસણી થઈ રહી છે તેની પૃષ્ઠભૂમિ સામે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવીનતમ સુધારાથી ઉત્પાદકો અને વિક્રેતાઓ કડક લાઇસન્સિંગ અને ગુણવત્તા નિયંત્રણ આવશ્યકતાઓનું પાલન કરે છે તેની ખાતરી કરીને સીરપ આધારિત દવાઓની ટ્રેસેબિલિટી અને નિયમનકારી દેખરેખ માં વધારો કરવામાં આવશે.



