
વિઠાબાઈનાં પ્રસૂતિનાં દૃશ્યએ ચાહકોમાં વધારી ઉત્સુકતા શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નું ટીઝર ઓનલાઈન લીક ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જાેવા મળશે શ્રદ્ધા કપૂરની બાયોપિક ફિલ્મ ‘ઈથા’ની સત્તાવાર રિલીઝ પહેલાં જ એક ટીઝર ક્લિપ ઓનલાઈન લીક થઈ જતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી ડિજિટલ પ્લેટફોર્મ પર ટીઝર જાહેર કર્યું નથી, છતાં સિનેમાઘરમાંથી રેકોર્ડ કરાયેલી એક ઝલક વાયરલ થઈ રહી છે અને ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે.અહેવાલો મુજબ, ‘ઈથા’નો પ્રથમ લૂક ફિલ્મ ‘કોકટેલ ૨’ના થિયેટર શો દરમિયાન દર્શાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ દર્શકે રેકોર્ડ કરેલી ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી દીધી, જેના કારણે ફિલ્મનું મહત્વનું દૃશ્ય હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.લીક થયેલી ક્લિપમાં શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રનાં દિગ્ગજ તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના પાત્રમાં જાેવા મળે છે. દૃશ્યમાં તે ગર્ભવતી હાલતમાં સ્ટેજ પરફોર્મન્સ માટે તૈયારી કરતી જાેવા મળે છે. ટીઝરમાં દર્શાવવામાં આવે છે કે વિઠાબાઈ પ્રસૂતિની પીડા વચ્ચે પણ પોતાનું કલા માટેનું સમર્પણ જાળવી રાખીને મંચ પર જવા આતુર છે. સંવાદો પરથી એવું સ્પષ્ટ થાય છે કે બાળકના જન્મ પછી તરત જ સ્ટેજ પર પરત ફરવા અંગે ચર્ચા અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે.વિઠાબાઈના વાસ્તવિક જીવનમાં પણ એવી ઘટના બની હતી, જ્યાં તેમણે વ્યક્તિગત મુશ્કેલીઓ છતાં કલાકાર તરીકેની જવાબદારીને પ્રાથમિકતા આપી હતી. ફિલ્મમાં આ ઘટનાને ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.માત્ર થોડા સેકન્ડની આ ઝલકે પણ ચાહકો પર ઉંડી અસર છોડી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિનેમાઘરમાં દર્શકો તરફથી જાેરદાર તાળીઓ, સીટીઓ અને ઉત્સાહભર્યાે પ્રતિસાદ સાંભળવા મળે છે. ઘણા ચાહકોએ શ્રદ્ધા કપૂરના નવા લૂક, ગર્ભવતી મહિલાના પાત્રમાં તેની અભિવ્યક્તિ અને ભાવનાત્મક અભિનયની પ્રશંસા કરી છે. કેટલાકે તો તેને તેનાં કૅરિયરની અત્યાર સુધીની સૌથી પડકારજનક અને શક્તિશાળી ભૂમિકા ગણાવી છે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર લક્ષ્મણ ઉટેકર કરી રહ્યા છે. ‘ઈથા’ મહારાષ્ટ્રની લોકકલાની દુનિયામાં અનોખું સ્થાન ધરાવતી વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન અને સંઘર્ષની કહાની રજૂ કરશે.ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જાેવા મળશે. ‘ઈથા’ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારના સમયગાળા દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સત્તાવાર ટીઝર હજુ જાહેર થવાનું બાકી છે, પરંતુ લીક થયેલી આ ઝલકે સ્પષ્ટ કરી દીધું છે કે ‘ઈથા’ માત્ર એક બાયોપિક નહીં, પરંતુ એક એવી પ્રેરણાદાયી કહાની બનવાની છે જે દર્શકોને ભાવનાત્મક રીતે સ્પર્શી જશે.



