
આ ગેંગ સાયબર ઠગોને મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતી હતી દિલ્હી પોલીસે સાયબર ફ્રોડની એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો બેંક એકાઉન્ટ ખોલાવો અને પૈસા મેળવોની લાલચ આપીને ગરીબો અને બેરોજગારોને ફસાવી રહ્યા હતા દિલ્હી પોલીસે સાયબર ફ્રોડની એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સાયબર ઠગોને સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતી હતી.
મ્યુલ અકાઉન્ટ એવા બેંક ખાતા છે, જે અન્ય વ્યક્તિના નામે ખોલવામાં આવે છે અને તેનો ઉપયોગ ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે.
દિલ્હી પોલીસે તપાસ બાદ સાયબર ફ્રોડ દ્વારા લૂંટવામાં આવેલી રકમને ટ્રેસ કરી. ત્યારબાદ પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાંથી બે શખ્સોની ધરપકડ કરી હતી. આગળની તપાસમાં સામે આવ્યું કે મેરઠમાં રહેતા અંકિત ચૌધરીએ તેમના એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યાર બાદ પોલીસે અંકિત ચૌધરીને પણ ઝડપી પાડ્યો છે.
પોલીસે શુક્રવારે જણાવ્યું કે, આરોપીઓ બેરોજગાર અને આર્થિક રીતે નબળા લોકોને નિશાન બનાવતા હતા. તે લોકોને કમિશન અને નોકરીની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટ ખુલ્યા પછી તેમના ATM કાર્ડ, પાસવર્ડ અને ઓનલાઈન બેંકિંગની તમામ વિગતો સાયબર ઠગોને સોંપી દેતા હતા. ત્યારબાદ સાયબર ફ્રોડની રકમને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ફેરવવામાં આવતી હતી.
પોલીસે લોકોને સચેત કરતાં કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિને તમારું બેંક એકાઉન્ટનો ક્યારેય ઉપયોગ કરવા ન આપો. કમિશન, નોકરી કે અન્ય કોઈપણ લાલચમાં આવીને બેંક એકાઉન્ટનો ઉપયોગ ન કરવા દો. તમારા ATM કાર્ડ, ઓનલાઈન બેંકિંગ પાસવર્ડ અને અન્ય વિગતો કોઈને પણ આપવી નહીં.
‘બેંક ખાતું ખોલાવો અને કમિશન મેળવો’ જેવી સ્કીમ્સથી સાવધાન રહો. આવી લાલચમાં આવીને તમારું ખાતું મ્યુલ અકાઉન્ટ બની શકે છે અને તમે અજાણતાં જ ગુનામાં સામેલ થઈ શકો છો.



