
ગ્લોબલ સીઈઓ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે ભારતીય મૂળના કુણાલ શાહ બનશે વોટ્સએપના હેડ છેલ્લા ૭ વર્ષથી મેટાની લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપનું નેતૃત્વ કરી રહેલા વિલ કેથકાર્ટે રાજીનામું આપવાની જાહેરાત કરી ટેક જગતમાંથી એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ૭ વર્ષથી મેટાની લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)નું નેતૃત્વ કરી રહેલા વિલ કેથકાર્ટે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મેટા કંપનીના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક એવા વિલ કેથકાર્ટના કાર્યકાળ દરમિયાન વોટ્સએપના યુઝર્સની સંખ્યા ૩ અબજ (૩૦૦ કરોડ)ને પાર પહોંચી ગઈ છે. તેમણે યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને મજબૂત કરવા માટે પણ મોટું યોગદાન આપ્યું છે. આ સાથે જ જાહેરાત કરાઈ છે કે, વોટ્સએપના હેડ એટલે કે નવા ગ્લોબલ સીઈઓ તરીકે ભારતીય મૂળના એન્જિનિયર કુણાલ શાહની નિમણૂક કરાશે.
ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીમાં કોઈ ભારતીય ઉદ્યોગસાહસિકની અત્યાર સુધીની સૌથી હાઈ-પ્રોફાઈલ નેતૃત્વ પરિવર્તન પૈકીની એક ઘટનામાં, ક્રેડ (CRED)ના ફાઉન્ડર કુણાલ શાહ હવે વૈશ્વિક સ્તરે વોટ્સએપનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. મેટા કંપનીએ જાહેરાત કરી છે કે કુણાલ શાહ વોટ્સએપના આગામી હેડ બનશે. તેઓ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે, જેઓ ૨૦૧૯થી આ મેસેજિંગ પ્લેટફોર્મનું નેતૃત્વ કરી રહ્યા છે. આ નિમણૂક એવા સમયે થઈ રહી છે જ્યારે વોટ્સએપ માત્ર એક મેસેજિંગ એપ કરતાં ઘણું આગળ નીકળી ચૂક્યું છે. વિશ્વભરમાં ૩ અબજથી વધુ યુઝર્સ અને પેમેન્ટ્સ, બિઝનેસ મેસેજિંગ તેમજ એઆઈ આધારિત ફીચર્સની આસપાસ વધી રહેલા બિઝનેસ સાથે આ પ્લેટફોર્મ હવે તેના વિસ્તરણના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મેટાનું માનવું છે કે એક સ્થાપક અને પ્રોડક્ટ બિલ્ડર તરીકેનો કુણાલ શાહનો અનુભવ તેમને આ સફરનું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ બનાવે છે.
મેટાના જણાવ્યાનુસાર, કુણાલ શાહ લોકો પોતાના રોજિંદા જીવનમાં વોટ્સએપનો ઉપયોગ કેવી રીતે કરે છે તેની ઊંડી સમજ ધરાવે છે, સાથે જ તેઓ કંપનીની બહારથી એક નવો દ્રષ્ટિકોણ પણ લાવશે. ભારત, જે વોટ્સએપનું સૌથી મોટું માર્કેટ છે, તે બિઝનેસ મેસેજિંગ અને પેમેન્ટ્સ માટે આ એપના સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક બની ગયું છે. આ બંને ક્ષેત્રો વોટ્સએપના ભવિષ્યના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આ નિમણૂકની જાહેરાત કરતા મેટાના CEO માર્ક ઝકરબર્ગે એક ઉદ્યોગસાહસિક તરીકે કુણાલ શાહના ટ્રેક રેકોર્ડના વખાણ કરતા કહ્યું છે કે, ‘કુણાલ શાહ વોટ્સએપના આગામી લીડર તરીકે મેટામાં જાેડાશે. કુણાલ શાહે ક્રેડ (CRED)ને ભારતની સૌથી મહત્ત્વની ટેકનોલોજી કંપનીઓમાંથી એક બનાવી છે, અને તેઓ પોતાની સાથે એક મજબૂત માનસિકતા તેમજ વૈશ્વિક પરિપ્રેક્ષ્ય લાવશે જે તેમને વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ ચલાવવામાં ખૂબ મદદરૂપ થશે. અબજાે લોકો અને લાખો વ્યવસાયો માટે વોટ્સએપને સવર્શ્રેષ્ઠ સેવા બનાવવાનું ચાલુ રાખવા માટે હું કુણાલ સાથે કામ કરવા આતુર છું.’



